ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદન અંગે એક જાહેર હિતની અરજી કરાઇ હતી. જે મુદ્દે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બુધવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અને જંગલી ગધેડા અભ્યારણ્યમાં ખાણકામની પ્રવૃત્તિઓ માટે આપેલા લાયસન્સ અને પરવાનગીઓ અંગેનો અહેવાલ માંગ્યો છે. અભયારણ્યમાં ‘ગેરકાયદે’ મીઠાની ખાણ અને ખનિજ ખાણ પ્રવૃત્તિઓ પર જાહેર હિતની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ નોટિસ જારી કરી હતી.
અરજીમાં દાવો કરાયો છે કે અભયારણ્યની અંદર મીઠાના ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડે છે. જેથી તેની પરવાનગીઓ અને લાઇસન્સ રદ કરવા નિર્દેશિત કરવા જોઈએ. કોર્ટમાં સેટેલાઇટ તસવીરો પણ રજૂ કરાઇ હતી. પીઆઈએલમાં કોર્ટને હાલના કાયદા અનુસાર કાયદેસર રીતે મંજૂર કરાયેલી મીઠાની ખાણની લીઝની વિગતો મંગાવવા અને અધિકારીઓને નવી લીઝ આપવાથી દૂર રહેવાનો નિર્દેશ આપવાની પણ વિનંતી કરી હતી.
દરમિયાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે બુધવારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. પીઆઈએલ દ્વારા એવી દલીલ કરે છે કે સંરક્ષિત પ્રદેશોમાં ગેરકાયદે મીઠાની ખાણકામની પ્રવૃત્તિ વધી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રણ વિસ્તારોમાં અભયારણ્યની લાખો હેક્ટર જમીન પર દબાણ કરવામાં આવ્યું છે.
એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે, અરજીમાં પ્રતિવાદી સરકારી પક્ષકારોને નોટિસ જારી કરવાની સાથે અરજદારોને વર્તમાન કાર્યવાહી વિશે વ્યાપક અખબારમાં નોટિસ પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પ્રતિવાદી સરકારી સત્તાવાળાઓને “ચાર જિલ્લાઓમાં અભયારણ્યમાં ખાણકામની પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે આપવામાં આવેલ લાયસન્સ અંગે એફિડેવિટ જવાબ ફાઇલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
નદીઅોના પ્રવાહને પણ અવરોધાયાનો દાવો
પિટિશનમાં દાવો કરાયો છે કે ભારે મશીનરીની મદદથી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે અને રણમાં જતી નદીના પ્રવાહમાં અવરોધ ઊભો કરાઇ રહ્યો છે. આ રીતે જંગલી પ્રાણીઓ અને પક્ષીઓના કુદરતી રહેઠાણનો નાશ થઈ રહ્યો છે. એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે માછીમારોની આજીવિકા પર અસર પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.