અકસ્માત:કચ્છના માર્ગો પર દોડતા ભારે વાહનોએ 14 દિવસમાં 24 માનવજિંદગી કચડી નાખી

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વમાં અંજાર-ગાંધીધામ-ભચાઉ રોડ મોતનો માર્ગ બન્યો

કચ્છમાં સેંકડો કંપનીઓ,બે બંદરો અને ખાણના કારણે જિલ્લાના માર્ગો વાહનવ્યવહારથી ધમધમતા હોય છે તેમાં પણ ખાસ કરીને ટ્રક, ટ્રેઇલર,ડમ્પર સહિતના ભારે વાહનો તો બેફામ દોડતા હોય છે જેના કારણે દરરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે.

મે મહિનાના 14 દિવસમાં કચ્છમાં બનેલા માર્ગ અકસ્માતની જો વાત કરીએ તો તેમાં મોટાભાગના અકસ્માત ભારે વાહનોએ જ સર્જ્યા છે હાઇવે રોડ પર પુરપાટ દોડતા વાહનોની ટકકરે બાઇકસવાર અને પગપાળા જતા યુવાનો કચડાઈ જવાથી મોતને ભેટયા છે. જેના કારણે અનેક નિર્દોષ પરિવારો વિખેરાઇ ગયા છે. પૂર્વ કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ પંથકમાં તો લોડર અને ટ્રેઇલર તળે આવી જવાની ઘટનાઓ વધી રહી છે.

તાજેતરમાં જ સીનુગ્રા પાસે વાહન અડફેટે બે યુવાનોના કાળ આંબી ગયા હતા પશ્ચિમ કચ્છમાં ભુજમાં ધોળકિયા સ્કૂલ પાસે,ભીરંડીયારા,મંજલ સુમરાસર, કુકમા, કોડકી, કાળી તલાવડી, મુન્દ્રા,સુખપર રોહા સમીપે બનેલી ઘટનાઓમાં 9 જિંદગીઓ હોમાઈ ગઈ હતી જ્યારે પૂર્વમાં અંજાર - ગળપાદર હાઇવે,ગાગોદર,હમીરપર, જંગી-વાઢીયા રોડ, માખેલ, શિકરા સમીપે પણ અકસ્માતની ઘટના બની હતી.હાઇવે રોડ પર બેફામ દોડતા વાહનોની ટકકરે નિર્દોષ માનવજિંદગી હોમાઈ રહી છે છતા ગતિનિયંત્રણ માટે કોઇ પગલાં લેવાયા નથી જે પણ એક હકિકત છે.

કચ્છ બહાર બનેલી ચકચારી ઘટનાઓમાં પણ 9 જણા મોતને ભેટયા
કચ્છની સાથે કચ્છ બહાર પણ અકસ્માતની ઘટનાઓ બની હતી.જેમાં મથલમાં સમૂહલગ્ન પતાવી પરત જતી જાનને સુરેન્દ્રનગર - અખિયાણા રોડ પર અકસ્માત નડતા વરરાજાના દાદા અને નાનાનું મોત થયું હતું જ્યારે કચ્છ-માલવણ હાઇવે પર 40 હજાર લીટર ઇથેનોલ ભરેલું ટ્રેઇલર સળગી જતા ચાલક ભૂંજાયો હતો તેમજ લાકડીયામાં હવનપ્રસંગે હાજરી આપ્યા બાદ પરત જતા મોરબીના પરિવારને અકસ્માત નડતા માધાપરના આધેડ સહિત 5 જણાના શ્વાસ થંભી ગયા હતા તો હમણા જ હળવદ પાસે કન્ટેઇનર પલટી જતા સાપેડા આવતા ચાલકનું મોત થયું હતું.

વધતા અકસ્માતના બનાવો પાછળ ટ્રાફીક નિયમોનો ભંગ કે ગરમી કારણભૂત ?
અકસ્માતના વધતા બનાવો પાછળ ગરમી પણ કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે કારણકે માથું ફાડી નાખતી ગરમીના કારણે ચાલક વાહન પરથી કાબુ ગુમાવી બેસે છે જેના કારણે માનસિક તણાવમાં આ ઘટનાઓ બનતી હોવાનું એક વર્ગ માને છે.

માટી અને નમકના વાહનોની અવરજવરથી માર્ગો ચીકણા અને લપસણા બની ગયા
પશ્ચિમ કચ્છમાં આવેલી નમક કંપનીઓમાંથી બંદરો પર રવાના થતી ટ્રક કે ડમ્પરમાંથી પાણી નીતરતા હોય છે તો નમક પણ ઢોળાઈ જાય છે જેનાથી માર્ગ ચીકણા થવા સાથે ધોવાય પણ છે તાજેતરમાં કુકમાં પાસે આ જ ઘટનાના કારણે એક યુવાનનું મોત પણ થયું હતું.તો બીજી તરફ ઓવરલોડ વાહનો દોડતા હોવાથી માર્ગો પર માટી અને ખનીજ ઢોળાતું હોઈ બાઇક સ્લીપ થઈ જવાની ઘટનાઓમાં પણ મોત સુધીનો કરુણ અંજામ આવી જાય છે.

બેફામ દોડતા વાહનોમાં સ્પીડ નિયંત્રણ જરૂરી
કચ્છમાં અવારનવાર માર્ગ અકસમાતની ઘટનાઓ બને છે અને તેમાં અમુલ્ય માનવ જીંદગીઓ હોમાઇ જાય છે. અકસ્માતની ઘટનાઓને રોકવા માટે સ્પીડ નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. ઘણી વખતી ફૂલ સ્પીડમાં જતા વાહનો મોતનું કારણ બને છે. પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા આ બાબતે લોકોમાં જાગૃતિ કેળવવાની જરૂર છે

અન્ય સમાચારો પણ છે...