ભાદરવામાં અષાઢી માહોલ:કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદી જોર યથાવત, લખપતના લાખાપરમાં વીજળી પડતા યુવતીનું મોત

કચ્છ (ભુજ )18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા, માંડવી, નખત્રાણા, લખપત અંજાર તાલુકાના ગામોમાં હળવાથી ભારે વરસાદ

રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર વરસાદનું જોર સતત વધી રહ્યું છે. કચ્છમાં આજે રવિવારે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને જિલ્લાના માંડવી, મુન્દ્રા, ભુજ , નખત્રાણા, લખપત અને અંજાર તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યાનું જાણવા મળ્યું છે. ગઈકાલે અંજારમાં પડેલા તોફાની વરસાદ બાદ આજે પણ અનેક સ્થળે વરસાદ સાથે પવન ફૂંકાતા લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. દરમ્યાન મેઘ માહોલ વચ્ચે આજે લખપતના લાખાપર ગામે વાડીમાં કામ કરી રહેલી એક યુવતીનું વિજળી પડતા ઘટનાસ્થળેજ કરુણ મોત નિપજ્યું છે.

વીજળી પડતા યુવતીનું મોત
જિલ્લામાં આજે મુન્દ્રા અને સમગ્ર લખપત તાલુકામાં બપોરથી શરૂ થયેલો વરસાદ હળવાથી ભારે ગતિએ વરસી રહ્યો છે. વરસાદના કારણે નગર અને ગ્રામીણ વિસ્તારના માર્ગો પર પાણી વહેતા થયા છે. ખાસ કરીને આ વખતે સૌથી વધુ વરસાદ પામેલા લખપત તાલુકામાં ભાદરવાનો વરસાદ હવે ક્યાંકને ક્યાંક ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાની વાત કરવામાં આવે તો સખ્ત ગરમીનું વાતાવરણ કાયમ રહેતા જનજીવન પરેશાન બન્યું છે. દરમિયાન લખપતના લાખાપર ગામે વીજળી પડતા 17 વર્ષીય હમીદા રજાક સુમરા નામની યુવતીનું ઘટનાસ્થળેજ મોત નિપજયુ હતું. હતભાગી યુવતીને સારવાર અર્થે દયાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર પૂર્વેજ તેનું મોત થયાનું જાહેર કરાયું હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...