મેઘ મહેર કે કહેર?:વ્યાપક વરસાદને પગલે ભેંસો તણાઈ, મહિલા અને યુવકનાં મોત, ભુજમાં 10 કેબિન ઢળી પડી, અબડાસાનું બારા ગામ સંપર્કવિહોણું બન્યું

કચ્છ (ભુજ )3 મહિનો પહેલા
  • નખત્રાણામાં વહેતા પાણીમાંથી બાઈકચાલકને ટ્રાફિક-પોલીસની ટીમે બચાવ્યો
  • ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી નિકાલના અભાવે ઘરોમાં પાણી ઘૂસ્યાં
  • માસ્કમાં મહિલાનું પાણીમાં તણાઈ જતાં મોત, ગુંદલા પાસે નહેરમાં ડૂબી જતાં યુવકનું મોત

કચ્છમાં એક સાપ્તાહથી સતત વરસી રહેલા મેઘરાજાએ અનેક નદી-નાળા, તળાવ અને ડેમ છલકાવી દીધા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટી તંત્ર પણ સાબદુ બની ગયું છે. તો મેઘમહેરની સાથે અમુક વિસ્તારમાં વરસાદ કહેર સમાન બનવા પામ્યો છે. જેમાં જિલ્લાના અનેક સ્થળે ખાનાખરાબી પણ સર્જાઈ છે. કચ્છમાં વ્યાપક વરસાદના પગલે ભેંસો તણાઈ હતી. તો એક મહિલા અને યુવકનું મોત પણ થવા પામ્યું હતું. તો ભુજમાં 10 કેબીનો ઢળી પડી હતી. સાથે સાથે નખત્રાણામાં વહેતા પાણીમાંથી બાઈક ચાલકને ટ્રાફિક પોલીસની ટીમે બચાવ્યો હતો. તો ભુજ શહેરના અનેક વિસ્તારોમાં પાણી નિકાલના અભાવે ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જ્યારે અબડાસા તાલુકાનું દુર્ગમ બારા ગામ ભારે વરસાદ બાદ કોઝવે તૂટી પડતા સંપર્ક વિહોણી અવસ્થામાં મુકાયું હતું.

તણાઈ જતાં મહિલાનું મોત
ગઇકાલે માંડવી તાલુકામાં પડેલા 4 ઇંચથી વધુ વરસાદના પગલે નદીનાળામાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. જેમાં માંડવીના મસ્કા ગામે ગઈકાલ સાંજે 6 વાગ્યે ઘરેથી દૂધ લેવા નીકળેલા હસીનાબેન જુમાં રાયમાં નામની મહિલા ગામની નદીમાં તણાઈ જતા મૃત્યુ પામ્યા હતા. તેમનો મૃતદેહ શોધખોળ બાદ ગામથી થોડે દુર બાવળની ઝાડીમાં ફસાયેલી હાલતમાં મળી આવ્યો હોવાનુ માંડવી પોલીસે જણાવ્યુ હતું.

નખત્રાણામાં સ્કૂટર ચાલકને પાણીમાંથી બચાવાયો
નખત્રાણા નગરમાં એસટી બસ ટેન્ડ પાસે આજે શુક્રવારે સવારે પાણીના વહેતા વોકળામાં એક સ્કુટટ ચાલક ફસાઈ ગયો હતો અને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. આ સમયે સ્થળ પાસે ઉપસ્થિત ટીઆરબી જવાન હિતેશ ગરવા, જયમલસિંહ જાડેજા, હોમગાર્ડ યુવરાજસિંહ જાડેજા અને મહેન્દ્ર6 જાડેજાએ તુરંત ચાલક સાથેના સ્કુટરને પાણીમાંથી બહાર ખેંચી લાવી બચાવી લીધા હતા. આ સમયે અન્ય લોકો પણ માનવ સાંકળ રચી બચાવ કાર્યમાં મદદરૂપ બન્યા હતા.

મુન્દ્રાના ગુંદલા પાસેની નર્મદા કેનાલમાં યુવક ડૂબી જતાં મૃત્યુ પામ્યો
મુન્દ્રાના કારાઘોઘામાં રહેતો 21 વર્ષીય અને મુન્દ્રા સીએસએફમાં કામ કરતો વિજય મોહન ફફલ મહેશ્વરી નામનો યુવાન ગઈકાલે ગુરૂવારે નોકરીથી પરત ફરતી વેળાએ વરસાદમાં ભીંજાતા ભીંજાતા બાઇકથી ગુંદાળા બાજુ આવતો હતો. ત્યારે ભોરારા પાસે આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા પડ્યો હતો અને વધુ પડતા પાણીમાં ગરકાવ થઈ જતાં મૃત્યુને ભેટ્યો હતો. બનાવવી જાણ થતા તેની શોધખોળ આદરાઈ હતી. મહામહેનતે આજે સવારે હતભાગીનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજના સ્લમ એરિયામાં પાણી ભરાયાં
જિલ્લા મથક ભુજ શહેરમાં ગઈકાલે સાંજે ખાબકેલા 3 ઇંચ વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. ત્યારબાદ સતત ધીમી ધારે પડી રહેલા ઝાપટા બાદ આજે શહેરના ખારી નદી રોડ સ્થિત રહીમનગર, અમન નગર અને તારા નગર સહિતના વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયાનું સામે આવ્યું હતું. કાચા પાકા મકાનો અંદર બે ફૂટ જેટલા પાણી ભરાઈ જતા માલ સામગ્રી પાણીમાં જોવા મળી હતી. મધરાત્રી બાદ સવાર સુધીમાં પાણીનું સ્તર વધી જતાં અનેમ ઘરોમાં રસોઈ પણ થઈ શકી નહોતી. લોકોનો આક્ષેપ છે કે ભારે વરસાદ દરમ્યાન આ પરિસ્થિતિ કાયમ સર્જાતી હોય છે, જે અંગેની તંત્રમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ પણ કોઈ નિવારણ લવાતું નથી.

ભુજના જૂના બસ સ્ટેશન પાસે કેબિનો ઢળી પડી
ભુજમાં ગઈકાલે સાંજે વરસાદ બાદ સીટી પોલીસ સ્ટેશન સામે દીવાલ ધરસાઈ થતા વાહનોમાં નુકશાની થઈ હતી. જ્યારે આજે શહેરના જુના બસ સ્ટેશનન એન્ટ્રી પોઇન્ટની બાજુમાં આવેલી વર્ષો જૂની હંગામી કેબીનો જમીન ભીની બનતા એક બાદ એક એમ કુલ 10 જેટલી દુકાનો ઢળી પડી હતી. કેબિન અંદર રહેલી માલ સામગ્રી પણ વેર વિખેર થઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જોકે આ ઘટના સમયે વરસાદને લઈ કોઈ ધંધાર્થી હાજર નહોતા.

અબડાસાનું બારા ગામ સંપર્ક વિહોણું બન્યું
પશ્ચિમ કચ્છના સરહદી અબડાસા તાલુકાનું દુર્ગમ બારા ગામ ભારે વરસાદ બાદ કોઝવે તૂટી પડતા સંપર્ક વિહોણી અવસ્થામાં મુકાયું છે. હાલ કચ્છમાં પડી રહેલા વરસાદ બાદ બારા ગામ તરફ જતો માર્ગ વચ્ચે આવતા કોઝવેમાં નુક્શાનીના પગલે વાહન વ્યવહાર રહિત બન્યો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ત દ્વારા કોઝવેનું સમારકામ માત્ર 15 દિવસ પહેલાજ કરવામાં આવ્યું હતું. જો વહેલાસર કામગીરી આટોપી લેવાઈ હોત તો આ પરિસ્થિતિ નિર્માણ પામી ના હોત.

અબડાસાનું બારા ગામ સંપર્કવિહોણું બન્યું.
અબડાસાનું બારા ગામ સંપર્કવિહોણું બન્યું.

નખત્રાણાના બીબર પાસે નદીમાં ભેંસો તણાઈ
કચ્છમાં વ્યાપક વરસાદ બાદ અનેક સ્થળે મેઘમહેર સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આજે શુક્રવારે સવારે નખત્રાણા તાલુકાના બીબર ગામ નજીકથી પસાર થતી નદીમાં ત્રણ જેટલી ભેંસો તણાઈ જવા પામી હતી. ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ રહેલી ભેંસોને બચાવવા સ્થાનિક લોકો દ્વારા નિરર્થક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલબત્ત તણાઈ ગયેલી ભેંસો પાણીના આગળ તણાઈ જતા જીવિત બચી કે નહીં તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...