ભાદરવામાં અષાઢી માહોલ:કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદી જોર યથાવત, ભુજમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો

કચ્છ (ભુજ )14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના જુના સ્ટેશન નજીકની દુકાનોમાં પાણી ઘુસ્યા
  • ગતરાત્રિએ ભુજમાં ત્રણ વરસાદ વરસ્યા બાદ આજે બપોરે વધુ બે ઈંચ વરસાદ ખાબક્યો
  • માંડવી, નખત્રાણા તાલુકામાં પણ વરસાદ પડતાં અતિવૃષ્ટિના એંધાણ સર્જાયા

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યની સાથે કચ્છમાં પણ સતત ચાર દિવસથી મેઘ માહોલ સર્જાતા વરસાદનું જોર વધી જવા પામ્યું છે. ચોમાસા દરમ્યાન વ્યાપક વરસાદ બાદ ભાદરવા માસમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અનેક તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું છે. આજે ભુજમાં 2 વાગ્યા બાદ શરૂ થયેલા મુશળધાર વરસાદથી બે કલાકમાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને શહેરના જુના બસ સ્ટેશન પાસે રાબેતા મુજબ પાણી ભરાતા વરસાદી પાણી નજીકની દુકાનો સુધી પહોંચી ગયા છે. જિલ્લાના નખત્રાણા અને માંડવી તાલુકામાં પણ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં આજે પણ નખત્રાણા અને તાલુકામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા યથાવત વરસી રહ્યા છે. નખત્રાણા નગરમાં ગત રાત્રે પડેલા 2 ઇંચ વરસાદથી બેરું રોડ પર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. બાદમાં સ્થાનિકો દ્વારા જેસીબી મશીનની મદદ વડે માર્ગની બાજુમાં વોકળો બનાવી પાણીનો નિકાલ કારાયો હોવાનું લખન દેસાઈએ જણાવ્યું હતું. તાલુકાના નેત્રા, રસલીયા, ઉખેડા, રવાપર, ઐયર, આમારા, નારણપર રોહા, રામપર રોહા સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા. માંડવી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવા વરસાદના ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...