રાતોરાત કાર્યવાહી:આઈસોલેશનમાંથી રાત વચ્ચે ઢગલો મૃતદેહ ખસેડાયા હતા

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી મુલાકાત લે એ પહેલા લમ્પીગ્રસ્ત ગૌવંશના મોત થતા તંત્ર આખી રાત દોડતુ રહ્યું
  • પાલિકાના કર્મચારીઓ અને વિહિપના કાર્યકરો વચ્ચે ગેરસમજ થતા નગરપતિ દોડી ગયા હતા

ભુજ નગરપાલિકાઅે બિનસરકારી સંસ્થાઅોના સહયોગથી કોડકી રોડ પાસે શહેરના લમ્પીગ્રસ્ત ગાય સંવર્ગના પશુઅો માટે અાઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. જેની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અાવવાના હતા. પરંતુ, લમ્પીગ્રસ્ત દુધાળા ઢોરોના મોત અાગલા દિવસે ઢગલો થઈ ગયો હતો, જેથી રાતોરાત ખસેડવાની કાર્યવાહી થઈ હતી. જે કામગીરીને લઈને નગરપાલિકાના કર્મચારી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે ગેરસમજ થઈ હતી, જેથી નગરપતિ સ્થળ ઉપર દોડી ગયા હતા.

જિલ્લા પંચાયત સ્થિત જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરી ગામડાઅોમાં લમ્પી ચર્મરોગથી સંક્રમિત દુધાળા ઢોરોના અાંકડા પણ અેકઠા નહોતી કરી શકી અને ગ્રામ્યસ્તરે લમ્પી કાબૂમાં અાવી ગયાની ખાતરી અપાવી રહી હતી ત્યારે બીજી બાજુ ભુજ શહેરમાં સંક્રમણ વધી રહ્યું હતું અને સંક્રમિત ગાૈવંશના ટપોટપ મોતથી હાહાકાર મચી ગયો હતો. દરરોજ 50થી 60 ગાૈવંશના મૃતદેહ નાગોર ડમ્પિંગ સ્ટેશને ઠલવાઈ રહ્યા હતા. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે 16મી જુલાઈના અંકમાં પ્રકાશિત કર્યો હતો.

જે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હરકતમાં અાવ્યા હતા અને નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરને મળીને મૃતગાયોને તાત્કાલિક દાટવા રજુઅાત કરી હતી. જે બાદ તો કારોબારી ચેરમેન જગત વ્યાસે પોતાની અંગત માલિકીની 5 અેકર જમીન ફાળવતા અાઈસોલેશન સેન્ટર પણ શરૂ થઈ ગયું હતું. જોકે, અાઈસોલેશનમાં મોટાભાગે છેલ્લા શ્વાસ લેતા લમ્પીગ્રસ્ત ગાૈવંશ લવાતા હતા, જેથી દરરોજ બે ત્રણ ઢોર મરી જતા હતા. બીજી તરફ નાગોર ડમ્પિંગ સ્ટેશને મૃત ઢોરોનો ઢગલો થઈ ગયો હતો.

જેનો વીડિયો અાખા ગુજરાતમાં વાયરલ થઈ ગયો હતો, જેથી દિવ્ય ભાસ્કરના અહેવાલને પુષ્ટિ મળી હતી. જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંગળવારે કચ્છ મુલાકાતનું અાયોજન પણ ગોઠવી દેવાયું, જેમાં ભુજ નગપાલિકાના અાઈસોલેશનમાં લઈ જવા કાર્યક્રમ રખાયો હતો.

પરંતુ, અેક બાજુ ડમ્પિંગ સ્ટેશને મૃત ઢોરોનો ઢગલો અને બીજી તરફ અાઈસોલેશનમાં પણ મૃત ગાૈવંશનો ઢગલો થઈ ગયો હતો, જેથી વિશ્વ હિન્દુ પરિષદના જય ભાટિયાઅે મૃતઢોરોને તાત્કાલિક દાટવામાં કેમ નથી અાવતા અેવો પ્રશ્ન કરતા દાવા દલીલમાં મામલો ઉગ્ર બની ગયો હતો, જેમાં ચીફ સેનિટેશન ઈન્સ્પેકટર મિલન ઠક્કર સાથે હાથાપાઈ કરાઈ હતી. જે દરમિયાન નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર પણ હાજર હતા.

મામલો હાથપાઈ સુધી કેમ પહોંચ્યો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃત પશુઅોને ઉપાડતા બાંભના ધંધાર્થીઅોઅે થોડા દિવસ પશુઅોને સૂકાવા દેવા અનુરોધ કર્યો હતો, જેથી ચામડા કાઢી શકાય. પરંતુ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોઅે તાત્કાલિક દાટવામાં કેમ નથી અાવતા અે મુદ્દે વાંધો લીધો હતો, જેમાં ચીફ સેનિટેશન ઈન્સ્પેકટરે બાંભના ધંધાર્થીઅોને ન દબાવવા અને જે કંઈ હોય અે મારી સાથે વાત કરો અેવું કહેતા ઉગ્ર બોલાચાલીમાં મામલો હાથપાઈ સુધી પહોંચી ગયો હતો.

અાખરે કોના ઈશારે દફનવિધિ અટકી
મુખ્યમંત્રીની મુલાકાત સમયે જ ઢોરોની દફનવિધિ કોના ઈશારે અટકાવી દેવાઈ અે ચર્ચાનો વિષય બન્યો છે અને અેકબીજા ઉપર અાક્ષેપો થઈ રહ્યા છે, જેથી સવાલ થાય છે કે, વહીવટી અધિકારી મુખ્ય અધિકારી જીગર પટેલ છે. અેમના હુકમનો અનાદાર કરવા પદાધિકારીઅોઅે કેમ કહ્યું હશે અને પદાધિકારીઅોના દબાણમાં દફનવિધિ શા માટે અટકી અે પ્રશ્ને જિલ્લા ભાજપ કાર્યાલયમાં પૂછાણું લેવાયું હતું.

મામલો જિલ્લા ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો હતો
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મામલો જિલ્લા ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયો હતો અને નગરપાલિકાના પદાધિકારીઅોને જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલે અાડે હાથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...