આક્ષેપ:ITIમાં લેવાતી લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં નિરક્ષર લોકોને પડતી હાલાકી

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોઇસ આસિસ્ટન્ટની સુવિધા માટે કમિશનરનો આદેશ પણ 7 મહિના પછીય અમલવારી નહીં

સુરક્ષિત વાહન વ્યવહારનું એક મહત્વનું પરિબળ ડ્રાઇવીંગ લાયસન્સ છે. દરેક પ્રકારના લાયસન્સ મેળવતી વખતે વ્યક્તિએ પ્રથમ શિખાઉ લાયસન્સ મેળવવા માટેની ટ્રાફિક નિશાનીઓ, જાહેર માર્ગ ઉપર વાહન ચલાવવાના સામાન્ય નિયમો વગેરેના સામાન્ય જ્ઞાનની ચકાસણી માટેની પરીક્ષામાં સફળ થવુ ફરજીયાત છે. અગાઉ લર્નિંગ લાયસન્સની કામગીરી આરટીઓ કચેરીમાં થતી પણ હવે આઈટીઆઈ અને પોલીટેક્નિક કોલેજમાં કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવાય છે અને કાચું લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે.

કચ્છમાં ભુજ,અંજાર,ગાંધીધામ,પાંધ્રો, માંડવી,મુન્દ્રા અને રાપરની આઇટીઆઈ તેમજ ભુજ પોલીટેક્નિક કોલેજમાં આ કામગીરી કરવામાં આવે છે,જોકે ઘણા અભણ અને નિરક્ષર વ્યક્તિઓને કસોટી આપવામાં હાલાકીનો સામનો કરવો પડે છે તેવી ફરિયાદો સામે આવી છે.

ગત 22 એપ્રિલના વાહનવ્યવહાર કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમા જણાવાયું કે,અભણ વ્યક્તિઓને લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપતી વખતે કોમ્પ્યુટર ચલાવવાની જરૂર નથી પરંતુ કોમ્પ્યુટર સ્ક્રિન પર લર્નિંગ લાયસન્સ માટે આવતા પ્રશ્નોના સાચા જવાબ ઓળખી સિલેક્ટ કરવાનું રહે છે તે માટે ઓછા ભણેલ કે અભણ લોકોને અગવડતા ન પડે તે માટે ટચ સ્ક્રિન તેમજ વોઇસ આસિસ્ટન્ટ જેવા યંત્રો દ્વારા અભણ વ્યક્તિઓ પ્રશ્નો સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ ફેરફારો કોમ્પ્યુટર અંગેનુ સાદુ જ્ઞાન પણ ન ધરાવતા નાગરીકોને નિયમોની મર્યાદામાં કસોટી આપવા માટે સહાયરૂપ થશે તેવો હેતુ નક્કી કરાયો હતો પણ વાસ્તવિક હકીકત એવી છે કે,કચ્છમાં એકપણ સેન્ટરમાં તેની અમલવારી થતી જ નથી.જેના કારણે પરીક્ષામાંથી તે નપાસ થાય છે અને લાયસન્સ ન બનવાથી સીધી અસર રોજગારી પર પડે છે.

સૂત્રોએ જણાવ્યું કે,જે લોકો અભણ છે અને તેઓને લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવી હોય તો અરજદાર કાનમાં હેડફોન પહેરીને પ્રશ્નો સાંભળી કસોટી આપી શકે છે પણ તેની અમલવારી થતી નથી.સ્ટાફ પાસે તેના વપરાશની માહિતી અને માર્ગદર્શનનો અભાવ છે.આમ વ્યવસ્થાના અભાવે ગ્રામ્ય વિસ્તારના જરૂરીયાતમંદ લોકોના લાયસન્સ રિજેક્ટ થઈ જતા હોવાથી તેઓને ફરી ધરમધક્કા ખાવાનો વારો આવે છે.ઘણી આઇટીઆઈમાં સ્ટાફ દ્વારા પણ અરજદારોને ધક્કે ચડાવી દેવામાં આવતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે.

અકસ્માતનું જોખમ વધે
ગરીબીમાં જીવતા વ્યક્તિ માટે રોજગારી ઘણી મહ્ત્વની છે અને લાયસન્સની પરીક્ષામાં રદ થયા બાદ ઘણા અરજદારો ફરી પરીક્ષાનો વારો આવે ત્યાં સુધી ઘરે બેસતા નથી.જેથી કલીનર તરીકેની નોકરી કરે અને રસ્તામાં ડ્રાઇવરને આરામ મળે તે માટે પોતે ટ્રક ચલાવતા હોય છે આવા કિસ્સાઓમાં અકસ્માતનું જોખમ વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...