આખરે 8 વર્ષની આતુરતાનો અંત:પશ્ચિમ કચ્છ સાથે જોડતો ભુજોડી ઓવરબ્રિજ અંતે શરૂ થવાની આરે પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ

ભુજએક મહિનો પહેલા
  • વર્ષ 2014માં શરૂ થયેલું નિર્માણ કાર્ય હવે પૂર્ણતા ભણી પહોંચ્યું
  • ઓવરબ્રિજનું કાર્ય 8 વર્ષના લાંબા સમયગાળા બાદ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે
  • ઓવરબ્રિજથી અહીંથી પસાર થતા હજારો લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્તિ મળશે

જિલ્લા મથક ભુજ નજીક નિર્માણ પામતા અતિ મહત્વના ભુજોડી ઓવરબ્રિજનું કાર્ય હવે પૂર્ણતા ભણી પહોંચી ચૂક્યું છે. પૂર્વ કચ્છને પશ્ચિમ કચ્છ સાથે જોડતા આ બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ થવાના સંકેત પ્રાપ્ત થયા છે. જેને લઈ પ્રાથમિક ધોરણે નાના વાહનોની અવરજવર પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બ્રિજ એક સપ્તાહ બાદ નિર્માણ કાર્ય પરિપૂર્ણ થયા બાદ લોકોપયોગી બની શકે છે. જેના કારણે હજારો લોકોને દૈનિક કાયમી ટ્રાફિકજામની સમસ્યાથી રાહત મળી જશે.

વર્ષ 2014માં ભુજોડી રેલવે ટ્રેક પર શરૂ કરાયેલું ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય અનેક અવરોધ બાદ અંતે 8 વર્ષના લાંબા સમયગાળા બાદ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપ (GSRDC) વિભાગ હેઠળ ખાનગી બાંધકામ એજન્સી દ્વારા ભુજોડી ઓવરબ્રિજનું કાર્ય ચાલી રહ્યું હતું. 8 વર્ષ દરમિયાન ખાનગી એજન્સી કામ પૂરું ના કરી શકતાં છેલ્લા બે વર્ષથી અમદાવાદની અજય પ્રોપેટ પ્રા. લિ. નામની કંપની દ્વારા તેનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. જે હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થવાની સંભાવના છે. 1350 મીટર લંબાઈ ધરાવતા અને ગેબીયન વર્ક સાથે 17 મીટર ઊંચાઈ વાળા બ્રિજમાં આધુનિક કારીગરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂકંપ ઝોનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હોવાનું બાંધકામ એજન્સીના ડિ.કે.ચૌધરીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી અતિ વ્યસ્ત માર્ગે નિર્માણ પામતા ભુજોડી રેલવે ફાટક પરના ઓવરબ્રિજથી અહીંથી પસાર થતા દૈનિક હજારો લોકોને ટ્રાફિકજામની સમસ્યાથી મુક્તિ મળશે. જિલ્લાના બન્ને વિભાગ માટે અતિ મહત્વના ઓવરબ્રિજ શરૂ થવાના સંકેતથી કચ્છીમાંડુંમાં ખુશીની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...