ભાસ્કર ફોલોઅપ:કોરોના રસીકરણની અડધોઅડધ એન્ટ્રી બોગસ થતી હોવાનો ઘટસ્ફોટ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી દવાખાનામાં ફરજ બજાવતા કર્મચારીઓ પર થાય છે ખોટું દબાણ
  • ડોઝ લેવામાં લોકોની ઉદાસીનતા : લક્ષ્યાંક સિદ્ધ કરવામાં કર્મીઓનો મરો

કચ્છમાં બુસ્ટર ડોઝનું રસીકરણ શરૂ થવા સાથે લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની બોગસ એન્ટ્રી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.ખોટા આંકડા બતાવીને સરકારની આંખોમાં પણ ધૂળ નાખવામાં આવી રહી છે જેમાં મરો આરોગ્ય કર્મચારીઓનો થઈ રહ્યો છે.

બીજી લહેરમાં જ્યારે કોઈ રસી લેવા માટે નહતા આવતા ત્યારે જે લોકોનો પ્રથમ અને બીજો ડોઝ બાકી હતો તેઓએ રસી લઈ લીધી તેવી બોગસ એન્ટ્રી કરવામાં આવતી હતી હવે બુસ્ટર ડોઝનું રસીકરણ શરૂ થઈ ગયું છે પણ તેમાં ડોઝ મુકાવવા માટે કોઈ આવતું નથી ખુદ 30 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કરે ત્રીજો ડોઝ મુકાવ્યો નથી.

આ દરમ્યાન 18 થી 59 વર્ષની આયુ ધરાવતા લોકો માટે પેઇડ રસીકરણની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે ફ્રી રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે પણ તેમાંય રસી લેવા માટે કોઈ આવતું નથી જેથી આખરે કામગીરી બતાડવા માટે રસીકરણની બોગસ ડેટા એન્ટ્રી કરવામાં આવી રહી છે.

નામ ન આપવાની શરતે કેટલાક આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું કે,સેન્ટરમાં ડોઝ ઉપલબ્ધ છે પણ રસી લેવા માટે કોઈ આવતું નથી,વારંવાર ફોન કરીને જાણ કરવા છતાં પણ લોકો રસી લેવા માટે આવતા નથી અને અધિકારીઓ રસીકરણનો ડેટા માંગે છે અને તેઓ જ બોગસ એન્ટ્રીઓ કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.હાલમાં જિલ્લા પંચાયત દ્વારા અખબારી યાદીમાં જે આંકડા બતાવવામાં આવી રહ્યા છે તેમાંથી અડધોઅડધ આંકડા ખોટા હોવા તરફ પણ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે.

લક્ષ્યાંક બતાડવા માટે ખુદ અધિકારીઓ જ કર્મચારીઓને બોગસ રસીકરણ કરવાનું કહી રહ્યા છે જે ઘણી ગંભીર બાબત છે.સરકારમાં આંકડાનો રિપોર્ટ રજૂ થાય અને કમિશનર તેમજ મંત્રી તેને જ સાચો અહેવાલ માની લેશે.તેઓ એક એક વ્યક્તિને ક્રોસ વેરીફાઈ નહિ કરે જેથી આ તુક્કો અજમાવાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.અલબત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મુદ્દે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,પ્રિકોશન ડોઝ લેવો હિતાવહ છે અને તેનાથી શરીરમાં રોગ સામે લડવાની શક્તિમાં વધારો થાય છે વારંવાર કહેવા છતાં લોકો રસી લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે જે પણ એક હકીકત છે.

કોવિન પોર્ટલ પર ચેડાં શક્ય નહીં
સરકાર દ્વારા કોવિડ રસીકરણની કામગીરીનો રિપોર્ટ કોવિન પોર્ટલ મારફતે લેવામાં આવે છે.આ પોર્ટલમાં કોઈ પણ રીતે ચેડા કરવા શક્ય નથી.જેથી જે લોકોએ રસી નથી લીધી તેઓના નામથી બોગસ એન્ટ્રી કરી આ વ્યક્તિએ રસી લઈ લીધી છે તેવી એન્ટ્રી કરવામાં આવે છે જેમાં મોટાભાગે બંધ નંબરનો જ ઉપયોગ થતો હોય છે દરમ્યાન જે વ્યક્તિએ રસી નથી લીધી અને મેસેજ આવી જાય તો ડોકટર દ્વારા સેન્ટરમાં આવીને રસી લઈ મામલો પતાવી નાખો તેવું પણ કહી દેવામાં આવતું હોય છે.

આરોગ્ય વિભાગ પાસેથી તપાસ રિપોર્ટ મંગાવ્યો છે
કોવિડ રસીકરણમાં ખોટી એન્ટ્રી કરવામાં આવી હોવાનો મુદ્દો મારી સમક્ષ આવ્યો છે.જેથી જિલ્લા આરોગ્ય વિભાગ પાસે તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને જો કોઇની બેદરકારી સામે આવશે તો તેઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.> ભવ્ય વર્મા,જિલ્લા વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...