ભાજપના નેતાની જીભ લપસી:અબડાસાના MLA પ્રદ્યુમ્નસિંહ જાડેજા માટે ગુજરાતના મુખ્યમંત્રી સી.આર. પાટીલ?, મીડિયાને કેસ ઠોકી દેવાની ધમકી આપી

કચ્છ (ભુજ )9 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવાના પ્રયાસો દરેક પક્ષ-અપક્ષ દ્વારા જોરશોરથી ચાલી રહ્યા છે. ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર અને જાહેર સભાઓ દ્વારા જન સમર્થન મેળવવા ચૂંટણીજંગમાં મેદાને ઊતરી પડ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાની છ બેઠક પૈકી અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજા નખત્રાણા ખાતે યોજાયેલી ચૂંટણીસભા દરમિયાન ગરમ થઈ ગયા હતા અને મીડિયાને ધમકીના સૂરમાં કેસ ઠોકી દેવાની ચેતવણી આપતા નજરે ચડ્યા હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતના મુખ્યમંત્રી સી.આર. પાટીલને ગણાવ્યા હતા. ચાલુ સભામાં ધારાસભ્ય જાડેજા સરતચૂકમાં વિવેક ચૂક્યાની લાગણી હાલ લોકોમાં ચર્ચાઈ રહી છે.

નખત્રાણામાં સભા યોજાઈ હતી.
નખત્રાણામાં સભા યોજાઈ હતી.

સી.આર.ને CM ગણાવ્યા
નખત્રાણા ખાતે ગઈકાલે ભાજપ દ્વારા યોજાયેલી જાહેરસભામાં અબડાસા બેઠકના ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહે ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે 'એક મીડિયાના પત્રકારે મને મારાં કામોને લઈને સવાલ કર્યો હતો. તેમને જણાવી દઉં કે મારી ટર્મ હવે પૂરી થઈ ગઈ છે, ચૂંટણી આવી ગઈ છે, પાંચ વર્ષ દરમિયાન કરેલાં કામોનો મેં 10-10 મિનિટનો હિસાબ આપ્યો છે. માટે હવે કોઈએ સાચી-ખોટી વાત કરવી નહીં. જો ખોટી વાત કરશો તો સીધો કેસ ઠોકી દઈશ. મેં આજસુધી કોઈની ચા પણ પીધી નથી. આપણે આ સીટ આવે એટલે આપણા દેશના વડાપ્રધાને અને ગુજરાતના મુખ્યમંત્રી સી.આર. પાટીલને હાથમાં સોંપી ગામડામાં અટકેલાં કામ કરીશું.'

સભામાં જાડેજા ગરમ થઈ ગયા.
સભામાં જાડેજા ગરમ થઈ ગયા.

પ્રદ્યુમ્નસિંહ જાડેજાનો રાજકીય ઇતિહાસ
આ બેઠક પર પ્રદ્યુમ્નસિંહના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો તેઓ મૂળ ભાજપના કાર્યકર છે. કચ્છના રાજકારણમાં 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં ક્ષત્રિયોને ટિકિટ ન ફાળવાતાં નારાજગી સાથે જાડેજાએ ચેરમેનપદેથી રાજીનામું આપી ભાજપ સાથે છેડો ફાડયો હતો. 2014ની અબડાસા વિાધાનસભાની પેટાચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં જાડેજા કોંગ્રેસમાં જોડાયા હતા અને 2017ની વિાધાનસભા ચૂંટણીમાં શક્તિસિંહ ગોહિલના પ્રયાસોથી જાડેજાને ટિકિટ મળીને તેમના સામે ભાજપના છબિલ પટેલનો પરાજય થયો હતો.

જાડેજા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જોડાયા હતા.
જાડેજા કોંગ્રેસમાંથી ફરી ભાજપમાં જોડાયા હતા.

કોંગ્રેસનો છેડો ફાડી ફરી ભાજપમાં જોડાયા
ત્યાર બાદ પ્રદ્યુમ્નસિંહ જાડેજા પોતાના વિસ્તારમાં વિકાસનાં કામો થતાં નથી, એવું કહી કોંગ્રેસનો છેડો ફાડીને પાછા ભાજપમાં જોડાયા હતા અને 2019ની પેટાચૂંટણીમાં તેમની જીત થઈ હતી. આ વખતે તેમને ભાજપે રિપીટ કર્યા છે. તેમની સામે કોંગેસમાં મામદ જત અને આમ આદમી પાર્ટીમાંથી વસંત ખેતાણી મેદાને છે.

અન્ય સમાચારો પણ છે...