AAPનો વધુ એક 'ગેરન્ટીનો દાવ':કેજરીવાલની હવે જન્મદિવસે ગુજરાતને શિક્ષણમાં 5 ગેરન્ટી, દરેક બાળકને ફ્રી અને સારું શિક્ષણ

ભુજએક મહિનો પહેલા
  • કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું: કેજરીવાલ
  • ગુજરાતમાં કોંગેસ અને ભાજપ ભંગારનો વાડો છે: કેજરીવાલ
  • કેજરીવાલે લમ્પીમાં મૃત્યુ પામેલા ગૌવંશ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત રાજ્યની મુલાકાતે આવી રહ્યાં છે. પોતાની પ્રત્યેક મુલાકાત દરમિયાન કેજરીવાલ કોઇને કોઇ ગેરન્ટીની જાહેરાત કરે છે. આજે જન્મદિવસે તેમણે કચ્છની મુલાકાત કરી છે અને શિક્ષણ ક્ષેત્રની ગેરન્ટીની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું છેકે, બાળકોને મફત અને સારુ શિક્ષણ આપવામાં આવશે.

વિદ્યાસહાયકોની સમસ્યાનું નિરાકરણ લાવીશું
કેજરીવાલે જણાવ્યું કે, સરકારી શાળાઓની હાલત કથળેલી છે, સુધારવાની જરૂર છે. ગુજરાતમાં 44 લાખ બાળકો ખાનગી શાળામાં ભણે છે. કચ્છમાં મોટી સંખ્યામાં સરકારી સ્કૂલ ખોલીશું. દરેક વ્યક્તિને અમીર બનાવવાનું મારું લક્ષ્ય. લોકો અમીર થશે તો દેશ અમીર બનશે. વિદ્યા સહાયકના ઘણા મુદ્દા છે તો તેમને કહેવા માગુ છું કે, વિદ્યા સહાયકો અમારી પાર્ટીનો પ્રચાર કરો, ત્રણ મહિનામાં અમારી સરકાર બનશે તો તમારી તમામ સમસ્યાનું નિરાકરણ લાવીશું. આટલી મોટી માત્રામાં એક પોર્ટ પરથી ડ્રગ્સ પકડાય છે તે ચિંતાનો વિષય છે. અહીં પ્રાઇવેટ નહીં પણ સરકારી સિક્યોરિટી હોવી જોઇએ. તપાસ થાય તો તપાસમાં શું નીકળ્યું તે જાણવા મળવું જોઇએ કે કેટલો જથ્થો હતો અને જવાબદાર કોણ હતું.

પૈસાના વાંકે બાળકોના શિક્ષણ નહીં રૂંધાય: કેજરીવાલ
કેજરીવાલે આક્ષેપ કરતા કહ્યું હતું કે, ખાનગી સ્કૂલો ભાજપના નેતાઓની હોવાથી સરકારી સ્કૂલોની હાલત કફોડી છે. દિલ્હીમાં 4 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ્યા. કારણ કે ખાનગી શાળાની ફી વધારા પર રોક લગાવી, ઓડિટમાં કરોડોની ગેરકાનૂની રીતે એફ.ડી. કરાવેલી તે રૂપિયા વાલીઓને પરત કરાવ્યા. આવુ જ ગુજરાતમાં કરવું છે. પૈસાના વાંકે બાળકોના શિક્ષણ નહીં રૂંધાય. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ઓડિટ કરાવશુ, ફી વધારા માટે સરકારની મંજૂરી લેવી પડશે તેમજ સ્કૂલોમાંથી પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવાનું બંધ કરાવશે તો વિદ્યા સહાયકોને કાયમી કરાવાશે અને તેમને સન્માન અપાવશુ.

પોલીસને ગ્રેડ પેના નામે ભથ્થાનો લોલીપોપ: કેજરીવાલ
આગળ વાત કરતા તેમણે કહ્યું કે, થોડા સમય પહેલા ગુજરાત આવ્યો ત્યારે પોલીસના ગ્રેડ પે અંગે સમર્થન કર્યું જેના બાદ ગુજરાત સરકાર આ મુદ્દે જાગી પરંતુ ગ્રેડ પેના સ્થાને માત્ર પગાર ભથ્થા વધારીને લોલીપોપ આપી. એ ભથ્થાનો ભલે સ્વીકાર કરો ગ્રેડ પે પોલીસને આપની સરકાર આપશે. આ માટે સર્વે લોકોએ આપની સરકાર આવે એ માટે કામ ઉપર લાગી જવા કહ્યું હતું. આ વેળાએ તેમની સાથે મંચ પર ગુજરાત આમ આદમી પાર્ટીના અગ્રણી ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા, કૈલાશ ગઢવી, ગુલાબસિહ યાદવ, મનોજ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેજરીવાલે ભાજપ-કોંગ્રેસને ભંગાર સાથે સરખાવ્યા
​​​​​​​
દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ સામે ગંભીર આરોપ લગાવી ભંગાર સાથે સરખામણી કરી હતી. તેમના ચૂંટણીલક્ષી ભાષણમાં અનેક મહત્વની વાતો પણ તેમણે લોકો સમક્ષ મૂકી હતી. જેમાં 2015માં દિલ્હીની સરકારી સ્કૂલોની હાલત ગુજરાત જેવી હતી તે શાળાઓને ખાનગી સ્કૂલો કરતા પણ વિશેષ બનાવી. જૉ દિલ્હીની ઠીક કરી શકીએ તો ગુજરાતમાં સુધાર કરતા પણ આવડે છે.

મહિલાઓને મહિને 1 હજાર રૂપિયાની ગેરન્ટી
આ પહેલા 10 ઓગસ્ટે અરવિંદ કેજરીવાલે મહિલાઓને મહિને 1 હજાર રૂપિયા આપવાની સાથે પાંચ ગેરન્ટી આપી હતી. જેમાં 10 લાખ યુવાનોને રોજગારી, બેરોજગારોને માસિક 300 રૂ. ભથ્થું, ગુજરાતમાં મફત વીજળી અને આદિવાસી ગામડાઓમાં સારી સ્કૂલ અને ગામ ક્લિનિકની ગેરન્ટી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...