વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની અમલવારી માટે તંત્ર દ્વારા તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી વાહનોમાં જીપીએસ ટ્રેક સિસ્ટમ લગાવી દેવાઈ છે.જેના મારફતે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે,છ વિધાનસભાની ચૂંટણી પર નાણાંકિય,ચૂંટણીલક્ષી સાહિત્યની મંજૂરી વગર હેરફેર અટકાવવા સહિતના કારણોસર ચેકપોસ્ટ શરૂ કરવા સાથે સ્ટેટેસ્ટીકસ સર્વેલન્સ અને ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમો બનાવવામાં આવી છે.જે ટીમોના દરેક વાહનોમાં જીપીએસ લગાવાયા છે.
જેથી વાહન કયા જાય છે તેની ગતિવિધિ પર સીધી કલેકટર કચેરી દ્વારા નજર રાખવામાં આવે છે.ઉપરાંત મતદાનના દિવસે ઇવીએમ ડિસ્પેચની કામગીરીમાં તંત્ર દ્વારા 192 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.જેના ઝોનલ ઓફિસરના વાહનોમાં પણ જીપીએસ લાગશે.જેથી ઇવીએમ કે વીવીપેટ ખોટવાઇ જાય તેવા કિસ્સામાં તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે.ચૂંટણીની કામગીરી માટે દરેક સરકારી વાહનો રિઝર્વ રાખવામાં આવ્યા છે ત્યારે અત્યારસુધી સર્વેલન્સ ટીમો,ફ્લાઈંગ સ્કવોર્ડ અને ઇવીએમ ડિસ્પેચ માટેના બંધ બોડીના કન્ટેઇનરના વાહનો મળી અંદાજીત 60 જેટલા વાહનોમાં જીપીએસ સિસ્ટમ એજન્સી મારફતે લગાવાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.