કાર્યવાહી:વૃદ્ધને નકલી સોનુ આપી 22 લાખનો ચુનો લગાવનાર સોની વેપારી અંતે ઝડપાયો,આજે કોર્ટમાં રજૂ કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીકરીની સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 27 લાખનું સોનુ 22 લાખમાં આપ્યું હતું

દીકરીની સારવાર માટે પૈસાની જરૂરિયાત હોવાનું કહી રૂ.27 લાખનું સોનુ 22 લાખમાં કાપડના વેપારીને આપવામાં આવ્યું હતું.બાદમા વૃદ્ધ વેપારી સોનુ ગીરવે મૂકી લોન લેવા ગયા ત્યારે આ સોનુ નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.ફુલેકુ ફેરવીને આ વેપારી ભાગી જતા ભારે ચકચાર મચી ગઇ હતી જે બનાવ સંદર્ભે પોલીસમાં અરજી આપવામાં આવતા આરોપી જવેલર્સની ધરપકડ કરવામાં આવી છે જેને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે,છઠ્ઠીબારી રીંગ રોડ પર ભાણજી સ્ટ્રીટમાં રહેતા અને કપડાની દુકાન ચલાવતા 64 વર્ષીય સુરેશભાઈ નાનજીભાઈ ભાટીયાએ સોની દંપતી નિકુંજ સોની અને તેમની પત્ની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.ગત તા.12/5/2021ના નિંકુજભાઈએ ફરિયાદીને તેમની દુકાનમાં બોલાવી કહ્યું કે,લોકડાઉનના કારણે સોના-ચાંદીના ધંધામાં નુકસાન થયું છે અને ધંધો પડી ભાંગ્યો છે અને દીકરીની તબીયત ખરાબ હોવાથી સારવાર માટે રૂપિયાની જરૂરિયાત છે.

જેથી સુરેશભાઈને દાગીના બતાવી કહ્યું કે, આ દાગીનાની બજાર કિંમત રૂા.27 લાખ થાય છે પણ હું તમને 22 લાખમાં આપી દઈશ જેથી ફરિયાદી સુરેશભાઈએ વિશ્વાસમાં આવીને 22 લાખ ચૂકવી આપ્યા હતા દરમ્યાન ઓક્ટોબર મહિનામાં સુરેશભાઈને નાણાની જરૂરિયાત ઊભી થતા તેઓ મિરજાપર રોડ પર આવેલી યુકો બેંકમાં ગોલ્ડ લોન લેવા ગયા ત્યારે નિંકુજભાઈએ આપેલું સોનું બેંકમાં આપતા બેંકવાળાએ કહ્યું કે, આ સોનું તો નકલી છે જેથી તરત નિકુંજભાઈની ચંદન જવેલર્સ નામની દુકાને જતા જાણવા મળ્યું કે, તેઓ તો 2 મહિનાથી દુકાન બંધ કરીને ભાગી ગયા છે.તપાસનીશ પીએસઆઇ વી.એસ.ચૌહાણથી વાત કરતા તેમણે નિકુંજની અટકાયત કરાઈ હોવાનું જણાવી આજે તેને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી વધુ પૂછપરછ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ચિટર સોનીની પત્નીએ કહ્યું,રૂપિયા લેવા ઘરે આવશો તો ફસાવી દઈશ
દરમ્યાન સુરેશભાઈને આ સોનુ નકલી હોવાની જાણ થતા તેઓ નિકુંજભાઈના શીવકૃપાનગરના ઘરે ગયા અને આ સોનું નકલી હોવાનું જણાવી રૂ.22 લાખ પરત માંગ્યા ત્યારે પત્ની પૂર્વિબેને કહ્યું કે, અમે તો તમને સાચા જ દાગીના આપ્યા છે અને તમે ખોટું બોલો છો, તમારા રૂપિયા પૈસા પાછા નહીં મળે અને જો બીજીવાર અમારા ઘરે રૂપિયા લેવા આવશો તો ખોટા કેસમાં ફસાવી દઈશ.

ભાસ્કર અગ્રેસર : 19 ડિસેમ્બરના જ વેપારીએ ફુલેકુ ફેરવ્યાનો અહેવાલ કરાયો હતો પ્રસિદ્ધ
વાચકોની પ્રથમ પસંદગીના અખબાર ભાસ્કરમાં ગત 19 ડિસેમ્બરના જ આ સંદર્ભે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો,જેમાં વેપારીએ લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યુ હોવાનો અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળીને દુકાનમાં જ ફીનાઇલ પીધું હોવા સહિતની બાબતનો ઉલ્લેખ કરાયો હતો જે અંગે આજે વિધિવત ફરિયાદ થઈ છે.

દંપત્તિએ રાજકોટના શખ્સને પણ શિશામાં ઉતાર્યો
ચિટર દંપત્તિએ રાજકોટના હિરેનભાઈ શશીકાંત લોઢિયાને પણ શિશામાં ઉતાર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે તેમજ હજી પણ અન્ય ભોગગ્રસ્તો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે જેથી ફરિયાદ વધી શકે તેવી વકી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...