કચ્છમાં પ્રવાસનની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરીના અંત ભાગ સુધી જામતી હોય છે અને તેમાં પણ ખાસ કરીને ભુજ તાલુકાના ધોરડો સમીપે આવેલા સફેદ રણ આધારિત રણોત્સવ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. અહીં ખાડીના બેક વોટર અને વરસાદી પાણીથી સર્જાતું મીઠાનું સફેદ રણ વિશ્વ વિખ્યાત બની ચૂક્યું છે. હવે ભરઉનાળે કે વેકેશનમાં કચ્છનું સફેદ રણ જોવા ઇચ્છતા પર્યટકો માટે બીજું એક નમક સરોવર એટલે કે સફેદ રણ માર્ચથી મે માસના ગાળામાં જોવા મળશે. પ્રવાસનનો આ નવો વિકલ્પ ઉભો થયો છે.
ખાવડા, કાઢવાંઢથી ધોળાવીરાનો 32 કિલોમીટરનો સીંગલ પટ્ટી નેશનલ હાઇવે તૈયાર થઇ જતાં આ ‘રોડ ટુ હેવન’ ઉપર હાલમાં ચકચકિત સફેદ રણ આકાર લઇ રહ્યું છે. જે રસ્તે પસાર થવાનો કે રસ્તાની બાજુમાં ઉતરીને રણમાં જવાનો હાલમાં કોઇ ચાર્જ ન હોવાથી વિનામૂલ્યે સફેદ રણનું પ્રવાસન થશે. નોંધનિય છે કે, ધોરડોનું રણ જોવા વ્યક્તિ દીઠ રૂપિયા 100 અને વાહનના રૂપિયા 50નો જજિયાવેરો લદાયેલો છે. ઘડુલીથી સાંતલપુર નેશનલ હાઇ વેના ખાવડાથી ધોળાવીરા તરફનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ રણવચાળેથી પસાર થાય છે અને તેને ‘રોડ ટુ હેવન’ નામ અપાયું છે.
હાલમાં આકરો ઉનાળો શરૂ થયો છે અને રણના વિશાળ ભૂભાગમાં ફેલાયેલા પાણી આ વિસ્તારમાં હવે સૂકાતા હોવાથી સફેદ રણ સર્જાઇ રહ્યું છે. આ ધોરીમાર્ગ પરથી પસાર થતાં જ નમકાચ્છાદિત ચમકીલું અને ચોખ્ખું વિશાળ સફેદ રણ મે કે જુન સુધી એટલે કે વરસાદ ન પડે ત્યાં સુધી જોઇ શકાશે. નોંધનિય છે કે, ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ અગાઉ એમ સૂચન કર્યું હતું કે, આ રસ્તાની બાજુઓમાં અમુક પહોળા સ્થળે છત્રીઓ મૂકીને નાના બાંકડાઓ કે સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવે તો આ વિસ્તાર વધુ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
સહેલાણીઓ માટે સફેદ રણનો વિકલ્પ ઉભો થયો
સફેદ રણના પ્રવાસનના એમ્બેસેડર તરીકેની ઓળખ મેળવી ચૂકેલા ધોરડોના સરપંચ મિયાંહુસેન ગુલબેગ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ધોરડો ઉપરાંત કાઢવાંઢથી ધોળાવીરાના રસ્તે વધુ એક સફેદ રણનો વિકલ્પ ઉભો થયો છે. અત્યાર સુધી અહીં રસ્તો ન હતો અને અવરજવર શક્ય નહોતી. હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો સીંગલ પટ્ટી રોડ બન્યા બાદ ધોરડોના ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમય સિવાય માર્ચથી મે દરમિયાન ધોળાવીરા રોડનું સફેદ રણ સરળતાથીમાણી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.