મુસાફર ટ્રેન બાબતે બેઠકનું આયોજન:ગાંધીધામ-જોધપુર ટ્રેનને દૈનિક કરવા અને પાલનપુરની ટ્રેનો ફરી શરૂ કરવા કમિટી બેઠકમાં રજૂઆત કરાઇ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની સલાહકાર સમિતિની ગાંધીધામ ખાતે બેઠક યોજાઈ
  • સભ્યોએ કરેલી વ્યાજબી માંગણીઓનું બોર્ડ દ્વારા નિરાકરણ કરવામાં આવશે : અધ્યક્ષ

ગાંધીધામ ખાતે આજે ગુરૂવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની વર્ષ 2022-23 માટે રચાયેલી રેલવે ગ્રાહક સલાહકાર સમિતિ દ્વારા મુસાફર ટ્રેન બાબતે ખાસ બેઠક યોજવામાં આવી હતી. શહેરના રેલવે વિભાગીય કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત બેઠકમાં કચ્છની ટ્રેનો અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મુખત્વે ભુજ અને ગાંધીધામથી પાલનપુર ટ્રેન સેવા જે ચાલુ હતી તે ફરી શરૂ થવા અને જોધપુરની ટ્રેન દૈનિક રૂપે શરૂ કરવા સહિતની વિવિધ માંગ સમિતિના સભ્યો દ્વારા મંડળ સમક્ષ કરવામાં આવી હતી.

બેઠકમાં ગાંધીધામના પારસમલ નાહટા અને રાકેશ જૈન દ્વારા જોધપુર ટ્રેન કે જે હાલમાં સપ્તાહમાં ત્રણ વાર દોડે છે, તેને દૈનિક કરવાની સાથે તેમાં એક એસી કોચ વધારવા તથા ભુજથી પાલનપુરની ચાલતી બંન્ને ટ્રેન કોરોના કાળથી બંધ કરવામાં આવી છે તે ફરી શરૂ કરવા અને દિલ્હી માટેની સુપરફાસ્ટ ટ્રેનનો ટ્રેન સેવામાં ઉમેરો કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. ઉપરાંત ગાંધીધામ અથવા ભુજથી અમદાવાદ વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈને સભ્યોએ કરેલી વ્યાજબી માંગણીઓનું ટૂંક સમયમાં બોર્ડ દ્વારા નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. બેઠકનું સંચાલન મંડળના વાણિજ્ય પ્રબંધક અસલમ શેખે કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે કચ્છને ઉત્તર ગુજરાત સાથે તમામ ક્ષેત્રે રોજિંદો વ્યવહાર છે. તેમાં ભુજ અને ગાંધીધામથી ચાલતી લોકલ તથા ફાસ્ટ ટ્રેન કોરોનાકાળને લઈ બંધ કરી દેવાયા બાદ હજુ સુધી શરૂ થઈ શકી નથી. જેના કારણે બંન્ને જિલ્લાના મુસાફરોને આવાગમનમાં ભારે પરેશાની રહે છે. જો હવે આ રૂટની ટ્રેનો શરૂ કરવામાં આવે તો તેના ઉપયોગથી લોકોને મોટી રાહત મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...