કચ્છને રેલવે તંત્ર દ્વારા એક સાથે ત્રણ ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાં મહત્વની સાપ્તાહિક ગાંધીધામ-દહેરાદૂન ટ્રેન શરૂ થતાં હરિદ્વાર જતા યાત્રિકો માટે ખુબ જ લાભદાયક બની રહેશે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ખાસ ટ્રેનોને રેલ યાત્રીઓની સેવામાં અમલમાં મુકવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
હરિદ્વાર જતા સ્થાનિક યાત્રિકો માટે ખૂબ મહત્વની
આ અંગે જાહેર કરાયેલી યાદી મુજબ ગાંધીધામ-દહેરાદૂન ટ્રેન નંબર 09457 દર સોમવારે સાંજે 4.15 કલાકે ઉપડશે જયારે દહેરાદૂનથી ટ્રેન નંબર 09458 સવારે 5.50 ગાંધીધામ માટે ઉપડશે. આ ટ્રેન ગાંધીધામ કંડલામાં વસતા રાજસ્થાન, દિલ્હીના પરપ્રાંતીય લોકોની સાથે હરિદ્વાર જતા સ્થાનિક યાત્રિકો માટે ખૂબ મહત્વની સાબિત થશે. આ વિશે અંજારના ધારાશાસ્ત્રી અને જાણીતા કથાકાર દિનેશ રાવલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખાસ કરીને હિમાલય તરફના તીર્થ ક્ષેત્રમાં આવતા હરિદ્વાર, ઋષિકેશ અને બદ્રી નારાયણ જતા સ્થાનિકના લોકો માટે આ ટ્રેન અતિ ઉપયોગી સાબિત થશે. તેમાં સમગ્ર કચ્છમાંથી હરિદ્વાર કથા કરાવવા જતા લોકોના મોટા સંઘ જતા હતા તેઓને અમદાવાદ અથવા દિલ્હીથી ટ્રેન બદલી હરિદ્વાર જવું પડતું હોય છે. જેના કારણે સંઘના લોકોને અને ખાનગી રીતે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે આ સુવિધા શરૂ થતાં તેમાંથી જરૂર રાહત મળશે.
23થી વાયા ભીલડી જંકશન પરથી દોડશે
આ સિવાય ગાંધીધામ અમૃતસરની સાપ્તાહિક ટ્રેન દર દર શુક્રવારે સવારે 6.30 કલાકે ઉપડશે. તો ગાંધીધામ-અમદાવાદ-ગાંધીધામ સુપર ફાસ્ટ ટ્રેન નંબર 09455 દરરોજ 5 વાગ્યે ઉપડશે. આ તમામ ટ્રેન આગામી તા. 23થી વાયા ભીલડી જંકશન પરથી દોડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.