ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગેઇમ્સમાં સમયાંતરે કરાતા સંશોધનો અને સ્ટડીકેસથી કચ્છ, ગુજરાત અને દેશના તબીબો, તબીબી વિધાર્થીઓ માહિતગાર બને તેમજ આરોગ્ય સેવામાં આ સંશોધનો ઉપયોગી સાબિત થાય એ માટે જર્નલ(સામયિક) શરૂ કરવામાં આવ્યું છે. વર્ષમાં બે વાર પ્રકાશિત થનારા આ જર્નલનો પ્રથમ અંક તાજેતરમાં પ્રકાશિત કરાયો હતો.
જર્નલ ઓફ મેડિકલ સાયન્સના એડિટર-ઇન-ચીફ પ્રો.અજિત ખીલનાનીએ કહ્યું કે, જી.કે. અને અદાણી કોલેજમાં હાથ ધરાતા આરોગ્યલક્ષી સ્ટડીકેસ, દેશભરના ખ્યાતનામ ડોક્ટર્સ અને પ્રોફેસર્સના રિવ્યુ આર્ટિકલ્સને આ પ્રકાશનમા સ્થાન આપવામાં આવે છે. જેથી આવી અભ્યાસલક્ષી બાબતોથી મેડિકલ ક્ષેત્ર વધુ સમૃદ્ધ થઈ શકે.
પ્રથમ અંકમાં ચાર સંશોધન પત્રો, ચાર સ્ટડીકેસ અને ચાર રિવ્યુ આર્ટીકલ્સને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગના હેડ અને પ્રો. ડો. ચિન્મય શાહે ગેસ્ટ કૉલમ પણ લખી છે. ગેઇમ્સના ડાયરેક્ટર વી.એસ.ગઢવી અને હેલ્થકેર સર્વિસના હેડ ડો. પંકજ દોશીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ જણાવ્યું હતું કે, જી.કે.માં આવતા અભ્યાસલક્ષી ક્લિનિકલ કેસોનું જ્ઞાન પ્રસાર કરવા ટીમની જહેમત બિરદાવવા યોગ્ય છે. આ ઉપરાંત અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે કહ્યું કે, જર્નલથી તબીબી વિધાર્થીઓના જ્ઞાનનું સ્તર ઊંચું આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.