ભુજ શહેરમાં જિલ્લા સરકારી હોસ્પિટલ સામે કેબિન અને રેકડીઅો રાખવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે ફૂટપાથ ઉપર કેબિન અને રેકડી ખસેડી લેવા માટે ભુજ નગરપાલિકાઅે ફેરિયાઅો જોડે બેઠક યોજીને નોટિસ ફટકારી છે. જોકે, 22 જેટલા ફેરિયાઅોઅે કોઈપણ કાયદા વિરુદ્ધની કાર્યવાહી ગણાવીને વિરોધ નોંધાવ્યો છે અને નોટિસ પાછી ન ખેંચાય તો કાયદાકીય કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે.
ભુજ નગરપાલિકાઅે 3જી માર્ચે અાપેલી નોટિસમાં જણાવ્યું છે કે, જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા અાવનારા દર્દીઅોને રેકડી અને કેબિનના અડચણથી થતી ટ્રાફિક સમસ્યાઅોને કારણે અનેક સમસ્યાઅો થાય છે. જે બાબતે ફેરિયાઅો સાથે બેઠક યોજી હતી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે ફૂટપાથ ઉપર સ્થળાંતર કરવા કહેવાયું હતું. જેનું પાલન 3 દિવસમાં નહીં થાય તો કેબિન અને રેકડી ધારકના જોખમે અને ખર્ચે દૂર કરવાની કાર્યવાહી થશે.
બીજી તરફ કેબિન અને રેકડી ધારકોઅે મુખ્ય અધિકારીને બીજા જ દિવસે લેખિતમાં જણાવ્યું હતું કે, જી. કે. હોસ્પિટલ સામે દર્દીઅો અને તેમના પરિવારજનો ચા-નાસ્તા અને ફળફળાદિ ખરીદી છે. કુદરતી બજાર અસ્તિત્વમાં અાવી છે. જેને કાયદા મુજબ ખસેડી શકાય નહીં. તેમણે શેરી ફેરિયા અધિનિયમ 2014નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અત્યંત જરૂરી અને અનિવાર્ય કારણ વિના હટાવી શકાય નહીં. અન્યત્ર જગ્યા ફાળવવા માટે અગાઉથી ચર્ચા થવી જોઈઅે. કાર્યવાહીમાં અસરગ્રસ્તની સહભાગિતા હોવી જોઈઅે. વળી સ્થળાંતરિત જગ્યાઅે અોછી અાવક ન થવી જોઈઅે. અામ, બંને પક્ષે દાવાદલીલ થઈ છે. જોકે, વાહન ચાલકો અને રાહદારીઅો દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા દબાણ હટાવવાની કાર્યવાહીને જરૂરી ગણાવી રહ્યા છે.
વીજ કચેરી પાસે 7 અને હોસ્પિટલ સામે 22 દબાણકારોને નોટિસ : અેન.યુ.અેલ.અેમ.
અેન.યુ.અેલ.અેમ.ના મેનેજર કિશોર શેખાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વીજ કચેરી પાસે 7 અને જી.કે. જનરલ હોસ્પિટલ સામેના 22 કેબિન અને રેકડી માલિકોને નોટિસ અપાઈ છે અને કાર્યવાહી પણ થશે. પરંતુ, અહીં સવાલ અે છે કે, પાર્કિંગ પ્લોટમાં કોઈ દિવસે અને કોઈ રાત્રે રેકડી રાખી ધંધો કરવા લાગી જાય છે. અેને ખસેડાશે કે કેમ અે અેક પ્રશ્ન છે. અગાઉ પણ વ્હાલા દવલાની નીતિ સાથે અનેક કેબિન અને રેકડી માલિકોને ખસેડાયા ન હોવાની ફરિયાદોનો નિકાલ હજુ સુધી અાવ્યો નથી. ખાસે કરીને સ્ટેશન રોડ પાસે બેંકના દરવાજા પાસે રોડ ઉપર જ શટરવાળી પાકી કેબિનો બાબતે તંત્ર માૈન સેવીને બેઠું છે. અેટલે સમગ્ર કાર્યવાહી શંકાના દાયરામાં અાવતી જાય છે.
સંબંધિત તંત્રો અગાઉથી જાગતા કેમ નથી
બીજી તરફ સૂત્રોઅે જણાવ્યું હતું કે, કેબિનો, રેકડીઅો અેક સાથે ખડકાઈ નથી જતી. ધીરેધીરે અેક પછી અેક ખડકાય છે. ત્યાં સુધી નગરપાલિકા સહિતના સંબંધિત તંત્રો જાગતા કેમ નથી. જ્યારે સમસ્યાઅો વકરવા લાગે ત્યારે જ કેમ હરકતમાં અાવે છે.
સ્મૃતિવન પાસે રાતોરાત કેબિનો ખડકાઈ ગઈ
અેક બાજુ ભુજ નગરપાલિકા જી. કે. જનરલ હોસ્પિટલ સામેના કેબિન અને રેકડી ધારકોને નોટિસ ફટકારી રહી હતી અને બીજી તરફ સ્મૃતિવન પાસે રાતોરાત ટેમ્પા મારફતે ત્રણ કેબિનો ખડકાઈ ગઈ હતી. જે તંત્રના ધ્યાને કેમ નથી અાવ્યું અે અેક પ્રશ્ન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.