અગાઉ પાવરનામું લેનારી વ્યક્તિના સોગંદનામા થકી દસ્તાવેજની સંબંધિત સબ રજિસ્ટર કચેરીમાં નોંધણી થતી હતી, જેમાં નોંધણી સર નિરીક્ષકની કચેરી, સ્ટેમ્પ અને નોંધણી ભવન-ગાંધીનગર દ્વારા સુધારો કરાયો છે અને હવેથી પાવરનામું અાપનારી વ્યક્તિ અેટલે કે, જે-તે મિલકતની માલિક તે મૂળ વ્યક્તિના રૂ.50ના સ્ટેમ્પ, (ઇ-સ્ટેમ્પિંગ, ફ્રેંકિંગ કે, ઇ-ચલણ) પર થયેલા સોગંદનામાના અાધારે જ દસ્તાવેજની નોંધણી થશે.
મળતી વિગત મુજબ પાવર અોફ અેટર્ની અાધારે સહી કરવામાં અાવેલા દસ્તાવેજમાં પાવર અોફ અેટર્ની અાપનારી વ્યક્તિ હયાત હોવાની સાબિતી રજૂ ન કરાય તો તેવો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં. મુખત્યારનામું કરી અાપનારા વતી મુખત્યારનામા ધારકે સોગંદનામું રજૂ કરવાનું રહેશે તેના બદલે હવેથી મુખત્યારનામું કરી અાપનારે જ પોતાની હયાતીનું સોગંદનામું રજુ કરવાનું રહેશે તેવો સુધારો મહેસૂલ વિભાગના તા.6-1-2023ના જાહેરનામા અન્વયે ગુજરાત રજિસ્ટ્રેશન નિયમો-1970માં કરાયો છે.
જે મુજબ હવેથી પાવર અોફ અેટર્ની હોલ્ડર દ્વારા સહી-મતું કરી રજૂ કરવામાં અાવેલા દસ્તાવેજમાં પાવર અોફ અેટર્ની અાપનારી વ્યક્તિ હયાત હોવાનું નિયત કરાયેલા નમૂના મુજબનું પાવર અોફ અેટર્ની કરી અાપનારી વ્યક્તિનું ડેકલેરેશન (સોગંદનામું) રજૂ કરવાનું રહશેે, તેવો અાદેશ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ અોફ સ્ટેમ્પ્સ જેનુ દેવને કર્યો છે.
ભુજ સબ રજિસ્ટર કચેરીના રજિસ્ટ્રાર સી.અેન. વાઘેલાઅે જણાવ્યું હતું કે, અગાઉ પાવરદાર મારફતે નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં પાવર લેનારી વ્યક્તિનું સોગંદનામું લેવાતું હતું પરંતુ હવેથી મિલકતના માલિક તે મૂળ પક્ષ અેટલે કે, પાવરનામું અાપનારી વ્યક્તિ હયાત હોવા અંગેનું નિયત નમૂનામાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
વિદેશમાં થયેલા દસ્તાવેજ લેખને સોગંદનામા માટે એક મહિના માટે પેન્ડિંગ રાખી શકાશે
ભુજ સબ રજિસ્ટર કચેરીના રજિસ્ટ્રાર વાઘેલાઅે જણાવ્યું હતું કે, હવેથી મૂળ પાવર અાપનારી વ્યક્તિઅે સોગંદનામું કરવાનું રહેશે, કલમ 33 મતાવાળા પાવરને લાગુ પડશે નહીં. વિદેશમાં થયેલા પાવરનામા વાળા દસ્તાવેજ લેખ નોંધણી માટે રજુ કરી શકાશે અને પાવર અાપનારી મૂળ વ્યક્તિના સોગંદનામા માટે અેક માસ સુધી તેવા દસ્તાવેજ પેન્ડિંગ રાખી શકાશે. ભારતમાં જ થયેલા પાવરનામા વાળા લેખ સોગંદનામા માટે પેન્ડિંગ રાખી શકાશે નહીં અને દેશમાં જ થયેલા પાવરનામા માટે જે તારીખે દસ્તાવેજ રજૂ કરાશે તે તારીખે જ પાવર અાપનારી મૂળ વ્યક્તિનું સોગંદનામું રજૂ કરવાનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.