શહેરમા રાજીવનગરમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનામાં હજી કોઈ આરોપી પકડાયા નથી તેવામાં સતત બીજા દિવસે ચોરીની ઘટના સામે આવી છે.પ્રમુખસ્વામીનગરમાં આવેલા ઓધવપાર્ક-1 માં રહેતા ફરિયાદી પોતાના ઘરને તાળું મારીને નુંધાતડ ગામે ગયા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં આપવામાં આવી હતી.જેથી સ્થળ પર જઇને તપાસ કરવામાં આવતા સોનાના દાગીના સહિતની વસ્તુઓ ઘરમાંથી જ મળી આવી છે.
એ ડિવિઝન પોલીસમાં ટ્રાન્સપોર્ટર કનૈયા હંસરાજભાઈ ભાનુશાલીએ ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરીવાર સાથે નુંધાતડ ગયા હતા અને બીજા દિવસે સવારે પરત ઘરે આવ્યા ત્યારે ગાડી પાર્ક કરી ઘરમાં ગયા તો મેઈન દરવાજાનું તાળુ તુટેલુ હતું તેમજ હોલમાં સરસામાન વેર વિખેર જણાઇ આવ્યો હતો.ફરિયાદીએ રૂમમાં જઈને જોતા ત્યાં પણ સરસામાન વેરવિખેર થયેલો હતો.ઘરમાં ચોરી થઈ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
તસ્કરો ઘરમાંથી રોકડા રૂ.20 હજાર,દોઢ લાખની કીમતના 25 ગ્રામ વજનવાળું સોનાનું મંગલસુત્ર, કાનમાં પહેવાની બુટી, ચાંદીના ગણપતી અને બે દિવડા કિંમત રૂ.30 હજાર, સેમસંગ અને મોટોરોલા કંપનીના બે મોબાઈલ કિંમત રૂ.25 હજાર, કાળા કલરનું આસુસ કંપનીનું લેપટોપ કિંમત રૂ.20 હજાર અને અલગ અલગ કંપનીની છ કાંડા ઘડીયાળ જેની કિંમત રૂ.50 હજાર મળી કુલ રૂ.2.95 લાખની મતા ચોરાઈ હોવાનું જણાઇ આવતા ફરિયાદ થઈ હતી.
પીએસઆઈ વી.એસ.ચૌહાણની હાજરીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ પીએસસાઈ થોમસને સોંપવામાં આવી હતી. તપાસનીસથી વાત કરતા તેમણે જણાવ્યું કે,ઘરમાં તપાસણી કરવામાં આવી હતી. જેમાં ઘરમાંથી જ મોબાઈલ,લેપટોપ,ઘડિયાળ સહિતનો સામાન મળી આવ્યો છે.દોઢ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર અને બુટી મળી આવી નથી. જેની શોધખોળ સાથે બનાવની ઝીણવટપૂર્વકની તપાસ કરવામાં આવી રહી હોવાનું ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.