માલધારીઓ મુશ્કેલીમાં:ભુજના મોટી બન્ની વિસ્તારમાં ચોમાસામાં પણ પડતર વરસાદી પાણીના કારણે માલધારીઓ હિજરત કરવા મજબૂર

કચ્છ (ભુજ )16 દિવસ પહેલા
  • સપાટ જમીન પર વરસાદના પાણી ભરાયેલા રહેતા માલધારીઓએ ઊંચાઈ પર વસવાટ શરૂ કર્યો

ભૂજ તાલુકાના મોટી બન્ની વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય ધરાવતા માલધારીઓને ચોમાંસામા પણ હિજરત કરવી પડે છે. કચ્છના દૂધ ઉત્પાદનમાં મહત્વનો ફાળો આપતા માલધારી પરિવારો ઉનાળા દરમિયાન પાણી માટે ગામથી હિજરત કરી જતા હોય છે. પરંતુ આ વર્ષે પડેલા વ્યાપક વરસાદના કારણે જગાડીયા, છછલાં અને બરારા સહિતના ગામમાં પુષ્કળ પાણી ભરાઈ જતા હવે પાણીના કારણે લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. સપાટ ધરા પર પડતર વરસાદી પાણીને લઈ તેઓ ઊંચાઈ વાળા વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં હાલ પાણી ભરાયેલા રહેતા 300 જેટલા પરિવારોને ઘાસચારો મેળવવા અન્ય સ્થળે આશરો લેવો પડ્યો છે. આ પરિવારો માટે હિજરત જાણે જીવનનો પર્યાય બની ગયો છે.

'લડે વ્યા છડે વ્યા, કાહે ધણ ધણાર, તો ભ મીઠડો મુંજો વતન બન્નીયનજો'
કચ્છના રણ સરહદની રેતાળ ભૂમિ પર વસતા બન્નીના માલધારીઓ ઉનાળા દરમ્યાન પશુઓના નિભાવ માટે ઘાસચારો અને પાણીની તલાસમાં ગામથી હિજરત કરતી વેળાએ બોલતા હોય છે કે 'લડે વ્યા છડે વ્યા, કાહે ધણ ધણાર, તો ભ મીઠડો મુંજો વતન બન્નીયનજો" આ પક્તિનો અર્થ છે કે છોડી ગયા, મૂકી ગયા, ઢોર સાથે ના છૂટકે નીકળી ગયા છતાં પણ મારો બન્ની વિસ્તાર સૌથી મીઠો મલક છે. તેમ હિજરત એ અહીંના સ્થાનિકો માટે જીવનનો પર્યાય બની ગયું હોય તેમ પાણી વગર અને પાણીથી હિજરત કરવી પડી રહી છે.

માલધારીઓચોમાસાની શરૂઆત સાથે પરત વતન ભણી ડગ માંડે છે
આ વિશે નખત્રાણા તાલુકાના લૈયારી ગામના અબુબકર જતે જણાવ્યું હતું કે ઉનાળાની આગ ઓકતી ગરમી સાથે બન્ની વિસ્તારના માલધારીઓ પોતાના પશુધન સાથે સર્જાયેલી પાણીની તંગીના કારણે હિજરત કરી જતા હોય છે. તેઓ ચોમાસાની શરૂઆત સાથે પરત વતન ભણી ડગ માંડે છે ત્યારે આ વખતે જુલાઈ માસમાં જ ભુજ તાલુકામાં 655 મિમી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. જે સરેરાશ 159.37 ટકાએ પહોંચી ગયો છે. જેને લઈ ભગાડીયા, સેરવો, સરાડા સહિતના ગામોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે. જેના કારણે આ પરિવાર 10 કિલોમીટર દૂર ગુગરધુઈ ટેકરા વિસ્તારમાં જઈ વસવાટ કરી રહ્યા છે. આ પાણીને જમીનમાં સોસાતા હજુ ત્રણેક માસ જેટલો સમય લાગી જશે ત્યાં સુધી આ પરિવારો ઘર હોવા છતાં બેઘર સમાન જિંદગી જીવી જશે.

અન્ય સમાચારો પણ છે...