સમસ્યા:ગુનેરીની હાઇસ્કૂલ માટે ત્રીજીવાર ટેન્ડર બહાર પડાયું

દયાપર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલે પ્રાથમિક શાળાના મકાનમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર

કચ્છના છેવાડે આવેલા લખપત તાલુકામાં માત્ર પ્રાથમિક નહીં માધ્યમિક શિક્ષણનું સ્તર પણ કથળેલું છે. પંથકની મોટા ભાગની સરકારી હાઇસ્કૂલોમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો જ નથી. હદ તો ત્યાં થાય છે કે, ગુનેરીની માધ્યમિક શાળાનું મકાન ન હોતાં વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરે છે. ગુનેરીમાં હાઇસ્કૂલ બનાવવા જમીન અને ગ્રાન્ટ મંજૂર થઇ ગયાં છે પણ અવરોધો નડતાં શાળા નિર્માણ માટે ત્રીજીવાર ટેન્ડર બહાર પડાયું છે. જેને પગલે ગ્રામજનો પણ આમ શા માટે થયું તેવો સવાલ કરી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ ગુનેરીની શાળાનું ટેન્ડર અગાઉ જિલ્લાના એક ધારાસભ્યના મળતિયાને મળતાં ખુદ સત્તા પક્ષમાં જ વિખવાદ થયો હતો પરિણામે ટેન્ડર રદ્દ કરી દેવાયું હતું. બીજી વાર જ્યારે ટેન્ડર બહાર પડાયું ત્યારે ભૂમિ પૂજનની તારીખ નક્કી થઇ જતાં આમંત્રણ કાર્ડ સુધીની તૈયારી થઇ ગઇ હતી પણ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ પડવાથી બીજીવારનું ટેન્ડર રદ્દ કરવું પડ્યું હતું. હવે માધ્યમિક શાળાના બાંધકામ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પડાયું છે ત્યારે ક્યારે ભૂમિ પૂજન અને નિર્માણ કાર્ય શરૂ થશે તે જોવાનું રહ્યું.

નવી સારણમાં સમાજવાડીમાં ચાલે છે શાળા
તાલુકાની નવી સારણમાં માધ્યમિક શાળાનું મકાન ન હોતાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ સ્થાનિકે આવેલી સમાજવાડીના એક રૂમમાં એકસાથે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાના બાંધકામ માટે રિટેન્ડરની દરખાસ્ત કરાઇ છે તે પડતર પડી છે તેને જોતાં છાત્રોને નવું મકાન ક્યારે નસીબ થશે તે કહેવું હાલે મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, ભુજ તાલુકાના ઝુરા ગામની સ્કૂલ માટે પણ રિટેન્ડર માટે કરાયેલી દરખાસ્ત સરકારમાં પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...