ચાતુર્માસમાં ધર્મલાભ:કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આજથી જૈન ફિલોસોફી માટેના સાપ્તાહિક કોર્ષનો આરંભ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવશે
  • ​​​​​​સ્ટડી સેન્ટરના ગ્રંથાલયને જૈનધર્મને લગતા 300 પુસ્તકો અર્પણ કરવામાં આવશે

કચ્છ યુનિવર્સિટી દ્વારા સ્થાપિત તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસુરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અંતર્ગત બેઝિક્સ ઓફ જૈન ફિલોસોફી વિષય પર સપ્તાહાત્મક શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કરાયું છે.જે કોર્ષનો આજથી જૈન વંડા ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજયકલ્પતરુજી મ.સા.ના આશીર્વચનથી પ્રારંભ થશે.આજના દિવસે યુનિવર્સિટી ખાતે કાર્યરત સ્ટડી સેન્ટરના ગ્રંથાલયને જૈન ધર્મને લગતાં 300 પુસ્તકો પણ અર્પણ કરવામાં આવશે.

કોર્સના વિષયો પર પ્રતિદિન બે વ્યાખ્યાન રહેશે. જેમાં જૈનધર્મનો ઉદભવ અને વિકાસ,તીર્થંકરોનો ઇતિહાસ, આગમગ્રંથોનો પરિચય,જૈનધર્મમાં અહિંસા અને સહિષ્ણુતા સ્વરૂપ, અણુવ્રતો,અપરિગ્રહનું સ્વરૂપ,વૈજ્ઞાનિક જીવનપદ્ધતિના પરિમાણો સાથે દ્રવ્ય, ગુણ, પર્યાય પ્રકાર અને સ્વરૂપ જેવા ન્યાયદર્શન સાથેના ગહન વિષય પર વ્યાખ્યાન આપવામાં આવશે.ચાતુર્માસમાં પ્રાપ્ત થનારા આ વિશેષ ધર્મલાભને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળે, દરેક ધર્મના લોકો પ્રતિભાગી બને અને ભારતીય સંસ્કૃતિના વૈજ્ઞાનિક પાસા વર્તમાનમાં તેની પ્રસ્તુતતા સમજી શકે તે માટે સૌ જૈનસંઘોએ આ કોર્સનો લાભ લેવા આહ્વાન કર્યું હતું.

આયોજનની સફળતા માટે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. જયરાજસિંહ જાડેજા તેમજ કુલચિવ ડો. બુટાણીના માર્ગદર્શનમાં રિસર્ચ સેન્ટરના ડિરેકટર ડો. પંકજ ઠાકર તેમજ હિતેશ ખંડોર જહેમત ઉઠાવી રહ્યા છે. ડો. ઠાકરે જણાવ્યું કે, અત્યારસુધી 100 થી વધુ લોકોએ આ કોર્ષમાં જોડાવવા માટે નોંધણી કરાવી છે.કોર્ષમા છઠ્ઠા દિવસે પરીક્ષા અને સાતમા દિવસે સંતો ભગવંતોની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ સાથે નિયમિત રહેનાર પ્રતિભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવશે. આ સાથે આજે સ્ટડી સેન્ટરને જૈન સાહિત્યને લગતા 300 જેટલા પુસ્તકો પણ અર્પણ કરવામાં આવશે તેવું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...