સરકાર દ્વારા ગ્રાહકોને સુરક્ષા અને હક્કો મળી રહે એ માટે અનેકવિધ નિયમો બનાવવામાં આવે છે પણ તેની અમલવારી મોટાભાગે કાગળ પર રહેતી હોય છે. આજની સ્થિતિએ પણ મોટાભાગના વેપારીઓ તોલમાપના નિયમોનું પાલન કરતા નથી જેના કારણે ગ્રાહકોને નુકસાન થતું હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.
કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્યચીજોનું લુઝ પેકીગમાં વેચાણ કરાતું હોય છે જેમાં વજન, તારીખ, સરનામું, એકસપાયરીડેટ, કિંમત જેવું કોઈ લખાણ હોતું નથી. જેમાં કોમોડિટી એક્ટનો ભંગ થઈ રહ્યો છે .જેના કારણે પ્રજાને આર્થિક નુકશાનીની સાથે આરોગ્યનું જોખમ પણ હોય છે. ઘણી જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણમાં માપ,વજન ઓછું હોય છે.
ઇલેક્ટ્રિક વજનકાંટામાં ગોલમાલ કરી દેવાય છે જેથી ગ્રાહકોને લાગે કે માલ પૂરો મળ્યો છે પણ પહેલેથી વજન વધારી દેવાયું હોય છે તો કેટલાક પેટ્રોલ પંપમાં પેટ્રોલ કે ડીઝલ ઓછું અપાતુ હોવાની પણ બૂમો ઉઠી છે. તોલમાપ વિભાગ દ્વારા ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવે તો અનેક પોલો ઉઘાડી પડવાની શક્યતા છે. ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો તોલમાપ વિભાગના અધિકારી મળી શકતા ન હોવાથી અરજદારને પણ રજુઆત કરવામાં તકલીફ ઉભી થાય છે.
હાઇવે પર છાપેલી કિંમત કરતા વધુ રકમ લેવાય છે
હાઇવે વિસ્તારમાં આવેલી હોટલો અને દુકાનોમાં સરેઆમ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવામા આવે છે તેમજ હાલમાં ઉનાળો શરૂ થઈ જતા ઠંડુ કરવાના નામે પણ કોલડ્રિન્કના વધુ ભાવ લેવાય છે પણ ચેકિંગ કરી દંડ કરવામાં આવતો નથી.
અધિકારી કહે છે ફરિયાદ સાચી પણ સ્ટાફ નથી
દરમ્યાન તોલમાપ અધિકારી વી.કે પટેલે જણાવ્યું કે,વેપારીઓએ દર વર્ષે વજનકાંટાનું ચેકિંગ કરાવવાનું હોય છે અને છાપેલી કિંમત કરતા વધુ ભાવ કોઇ લઈ શકે નહીં પણ હાલમાં અમારી પાસે 11ની સામે માત્ર 3 નો સ્ટાફ હોવાથી ચેકિંગ થઈ શકતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.