રણોત્સવની સીઝનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ તરફ આવી રહ્યા છે તેવામાં મુંબઈથી ભુજ આવતી ફલાઇટ પહેલા વિલંબ થઈ અને બાદમાં રદ કરી દેવાતા મુસાફરો રખડી પડયા હતા અને નવા વર્ષના પ્રથમ દિવસે જ મુસાફરીમાં કડવો અનુભવ થવા સાથે ફરવાની મોજ પર પાણી ફરી વળ્યું હતું.
મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘટેલા ઘટનાક્રમ બાબતે પ્રવાસીઓએ આક્રોશભેર જણાવ્યું કે,રણોત્સવ માણવા માટે તેઓ સવારે 6:15ની મુંબઈ-ભુજની ફ્લાઈટમાં સવાર થવા માટે સવારે 4:30 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયા હતા પણ એલાયન્સ એરના સંચાલકોએ જણાવ્યું કે,ફલાઇટ સિંધુદુર્ગ તરફ રવાના થઈ છે.
જે ટેકનિકલ ભૂલ છે અને હવે ફ્લાઇટ વિલંબ સાથે 8 વાગ્યે આવશે જેથી 2 કલાક મુસાફરો એરપોર્ટ પર બેઠા સમય વીતી ગયો પણ કોઈ જવાબ ન આવ્યો એરપોર્ટ દ્વારા પણ કોઈ માહિતી ન અપાઈ.સવારે 9 વાગી ગયા છતાં ગુસ્સે ભરાયેલા મુસાફરોને કોઈ માહિતી આપવામાં આવી ન હતી આ દરમ્યાન ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થતા સ્ટાફની બદલી કરાઈ હતી.
10 વાગ્યે જાહેરાત કરવામાં આવી કે હવે 11 વાગ્યે ફલાઇટ આવશે જેથી લોકોનો ગુસ્સો શાંત થયો પણ ફરી તેઓને બોર્ડિંગ માટે લાઈનમાં ઉભા રહેવા જણાવાયું,આ દરમ્યાન સતાવાળાએ કહ્યું કે,પાઇલટ સાથે સમસ્યા હતી, જેથી હવે નવું વિમાન આવી રહ્યું છે તેથી વિલંબ થયો.જોત જોતામાં સમય વીતતો ગયો અને એરપોર્ટ સતાધીશો ફલાઇટ આવશે એવું કહેતા રહ્યા બાદમાં તકનીકી સમસ્યા જણાવી ફલાઇટ રદ કરી દેવામાં આવી હતી.જેથી મુસાફરો અકળાઈ ઉઠયા હતા.ઉશ્કેરાયેલા મુસાફરોએ તાત્કાલિક આ વ્યવહાર સંદર્ભે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટ્વીટરમાં ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.