ભાસ્કર એક્સક્લુઝિવ:બન્નીમાં ડ્રોનથી ઘાસ વાવેતરનો રાજ્યમાં પ્રથમ પ્રયોગ સફળ

ભુજએક મહિનો પહેલાલેખક: રોનક ગજજર
  • કૉપી લિંક
  • એશિયાના સર્વશ્રેષ્ઠ ગણાતા ઘાસિયા મેદાનના 50 હેક્ટર વિસ્તારમાં ઘાસના સીડ બોલ બનાવીને પ્રાયોગિક ધોરણે કરાયું વાવેતર

એશિયાના સર્વશ્રેષ્ઠ ઘાસિયામેદાન ગણાતા બન્નીના સૌપ્રથમ વખત ગુજરાતમાં ડ્રોનથી ઘાસ વાવેતરનો સૌપ્રથમ વખત પ્રયોગ સફળ થયો છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલે જણાવ્યું કે, ડ્રોનથી ઘાસના સિડબોલ બનાવી વાવેતરનો પ્રયોગ પ્રારંભિક ધોરણે કરાયો છે,જે સફળ થયો છે.૫૦ હેક્ટરમાં કરાયેલ આ પ્રયોગથી અનેક પાસા અને તકો ઉજાગર થઈ છે. કેટલાક વિસ્તાર જ્યાં પાણી ભરાયેલા હોય છે કે,જ્યાં ટ્રેકટર થકી પહોંચવું પડે તેવી સ્થિતિ હોય છે.આવા વિસ્તારોમાં ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે.

મરુભૂમિ કચ્છ પ્રદેશમાં આવેલા એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન એવા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે વન વિભાગ દ્વારા લેવાયેલા અનેક પગલાં બાદ હવે અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ કરી ડ્રોનની ઘાસ વાવેતર કરાયું છે.ભવિષ્યમાં આ પ્રયોગથી કાર્યમાં ઝડપ આવશે,ખર્ચ બચશે અને સાથે જ સરકારની તાજેતરની ડ્રોન પ્રોત્સાહન નીતિ વચ્ચે સરકારી કામકાજમાં પણ તે ઉપયોગી સાબિત થશે. આમ રાજ્યમાં પ્રથમવાર કરાયેલો પ્રયોગ સફળ રહ્યો હતો.

50 હેક્ટરમાં પ્રયોગ,ઘામણ અને જિંજવો વવાયા
પ્રાયોગિક ધોરણે ડ્રોન વડે સિડબોલ ડ્રોપ કરી બન્ની ઘાસિયા મેદાનમાં વાવેતર કરાયું હતું.ભવિષ્યમાં ધામણ,ધ્રબડ,શિયાળપૂંછ,ડેન્નઈ,ઝીંઝવો અને ઘઉંલો સહિતની પ્રજાતિનો સમાવેશ કરી વાવેતર કરાશે હાલ ઘામણ અને જિંજવો વવાયા છે.

ઘાસ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો નોંધાયો
વર્ષ ૨૦૧૯-૨૦માં અહીં માત્ર બે લાખ કિલો ઘાસનું ઉત્પાદન થયું હતું, તેની સામે ૨૦૨૧-૨૨માં ૬.૨૫ લાખ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું છે. એક જ વર્ષ સવા ચાર લાખ ઘાસનો વધારો થવો એ મહત્વની બાબત છે.

બન્નીનું ઘાસ સંકટ સમયની સાંકળ,હવે કાર્ય સુગમ
ભૌગોલિક સ્થિતિને કારણે જરૂરિયાત કરતા ઓછા વરસાદ પડવાની કાયમી સ્થિતિની પીડાતા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધતા પશુઓ માટે રાહતકારક છે.આ વચ્ચે ચોક્કસ સમયમાં ક્યારેક ઘાસ વાવેતરની કામગીરી ન થઈ શકે ત્યારે આ ટેકનોલોજી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

વિષમ સ્થિતિમાં ડ્રોન આશીર્વાદરૂપ સાબિત થશે
ભારે વરસાદની સ્થિતિ કે માર્ગ અવરજવર સહિતની વિષમ સ્થિતિઓ વચ્ચે બન્ની ઘાસિયા મેદાનમાં પહોંચવું અઘરું પડતું હોય છે ત્યારે ભવિષ્યમાં આ વાવેતર પ્રયોગ અને તેનું ચોક્કસ અમલીકરણ આશીર્વાદરૂપ સાબિત થશે.

આઠ વર્ષમાં 80 વનતળાવો બનતા બન્નીની સિકલ બદલી
બન્ની ગ્રાસલેન્ડમાં ખારાશ વધતી અટકાવવા અને તેનું રણીકરણ થતું રોકવા માટે વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૪થી આઠ વર્ષ દરમિયાન વિવિધ યોજના તળે બન્ની ગ્રાસલેન્ડમાં ૮૦થી વધુ વન તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીનો સારી રીતે સંગ્રહ થતાં જમીન સુધારણા સાથે ઘાસની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક બન્યું છે. ડ્રોન વડે સમયાંતરે અહીં મોનીટરીંગ પણ કરાઈ રહ્યું છે જેથી એક સાથે અનેક પાસાઓમાં તે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...