એપ્રિલ માસના પ્રથમ સપ્તાહે 45 ડિગ્રી જેટલા ઉંચા તાપમાને શેકાયેલાં કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન વિક્રમજન 45.9 ડિગ્રીએ પહોંચતાં ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં આગ ઓકતી ગરમી અનુભવાઇ હતી. સૂર્ય નારાયણના પ્રકોપથી જન જીવન અસ્તવ્યસ્ત થયું હતું. બપોરે ગરમ ફૂંકાતાં કુદરતે સંચારબંધી લાદી હોય તેમ માર્ગો સૂમસામ બન્યા હતા. ભુજમાં પારો ઉંચકાઇને 42 તો નલિયામાં 39.8 ડિગ્રીએ પહોંચ્યો હતો.
કંડલા એરપોર્ટ મથકે 7 એપ્રિલે મહત્તમ 45 અને 8 એપ્રિલે 45.2 ડિગ્રી રહ્યાના એક માસ કરતાં વધુ સમય બાદ ફરી આગ ઓકતી ગરમીનું સામ્રાજ્ય છવાયું હતું. મહત્તમ પારો 45.9 ડિગ્રી જેટલો ઉંચે ચડી જતાં ગાંધીધામ, આદિપુર, અંજાર, મેઘપર બોરીચી સહિતના વિસ્તારો જાણે ભઠ્ઠીમાં ફેરવાયા હતા. સવારથી જ સૂર્ય નારાયણનો આકરો મિજાજ જોવા મળ્યો હતો અને મધ્યાહ્ને આભમાંથી અગન ગોળા વરસતા હોય તેવી અસહ્ય ગરમી અનુભવાઇ હતી.
આગ ઓકતી ગરમીના કારણે બપોરે લોકોએ કામ વિના બહાર નીકળવાનું ટાળ્યું હતું પરિણામે જાહેર માર્ગો સૂમસામ બન્યા હતા. ગરમીની સાથે ફૂંકાયેલી લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અબોલ જીવોની હાલત દયનીય બની હતી. ગરમીમાં રાહત મેળવવા શહેરીજનોએ ઠંડા પીણાનો સહારો લીધો હતો.
જિલ્લા મથક ભુજમાં પારો ઉંચે ચડીને 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. દિવસભર પ્રતિ કલાક 11 કિલો મીટરની ગતિએ ગરમ પવન ફૂંકાતાં ગરમીનો ડંખ વધતાં શહેરીજનો અકળાયા હતા. કાળઝાળ ગરમીના કારણે મધ્યાહ્ને બજારો અને જાહેર માર્ગો પર નહિવત્ ચહલ પહલ જોવા મળી હતી. નલિયામાં ઉંચું તાપમાન સાડા ત્રણ ડિગ્રી ઉંચકાઇને 39.8 પર પહોંચતાં વૈશાખનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી તાપમાન 37 ડિગ્રી આસપાસ રહ્યા બાદ એકાએક વધી જતાં નગરજનો પરસેવે રેબઝેબ થયા હતા. કંડલા બંદરે 37.5 સાથે તાપમાન જળવાયેલું રહ્યું હતું.
કચ્છભરમાં ન્યૂનતમ 28 ડિગ્રી જેટલું રહેવાની સાથે રાત્રે અનુભવાતી ટાઢક ગાયબ થઇ હતી. દરમિયાન આગામી ચાર-પાંચ દિવસ સુધી ગરમીનું જોર યથાવત્ રહેશે તેવો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયો છે.
રાજ્યના 10 સૌથી ગરમ મથક પૈકી 3 કચ્છના
કંડલા (એ) | 45.9 |
ભાવનગર | 43.4 |
સુરેન્દ્રનગર | 43.3 |
અમદાવાદ | 43.3 |
રાજકોટ | 42.8 |
ગાંધીનગર | 42.5 |
ભુજ | 42 |
ડિસા | 40.6 |
વિદ્યાનગર | 40.2 |
નલિયા | 39.8 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.