ખબર કી અસર:આખરે કચ્છ યુનિવર્સિટીએ LLMના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા, જોકે અભ્યાસક્રમનો મુદ્દો અધ્ધર

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • છેલ્લા 1 વર્ષથી કોર્ષ શરૂ કરવાની વાત હોવા છતાં ઠોસ નિર્ણયના અભાવથી છેલ્લી ઘડીએ ગતકડાં
  • કાયદા પ્રમાણે 15 સપ્ટેમ્બર સુધીમા કોર્ષ શરૂ કરવાનો હોવાથી ઉતાવળે નિર્ણયો લેવાતા હોવાનો આક્ષેપ

કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવેલો LLM કોર્ષ શરૂ થાય તે પહેલા જ વિવાદોમાં આવી ગયો છે.કારણકે યુનિવર્સિટી દ્વારા બાર કાઉન્સિલની મંજૂરી વગર જ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.છેલ્લા 1 વર્ષથી આ કોર્ષ શરૂ કરવાની વાતો વચ્ચે અત્યારસુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.યુનિવર્સિટી દ્વારા દાખવવામાં આવેલી ત્રુટીઓ વિશેનો અહેવાલ ગતરોજ છાત્રહિતમાં પ્રકાશિત કરવામાં આવતા આખરે સતાધીશો હરકતમાં આવ્યા અને જે છાત્રોએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે તેઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

તમામ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરાવવાનું રહેશે
યુનિવર્સિટી જણાવે છે કે,શૈક્ષણિક વર્ષ 2022-23 અન્વયે એલ.એલ.એમ. અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા અનુસંધાને જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી છે. તેઓએ તા.8 થી 13 નવેમ્બર દ૨મ્યાન શિડ્યુઅલ અનુસાર રૂબરૂમાં અસલ માર્કશીટો સાથે ઉપસ્થિત ૨હી તમામ ડોક્યુમેન્ટનું વેરીફિકેશન કરાવવાનું રહેશે..

એક વર્ષ અગાઉ આ કોર્ષ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું
​​​​​​​
એપ્લીકેશન ફોર્મ તથા તમામ પ્રમાણિત ડોક્યુમેન્ટની હાર્ડકોપી જમા કરાવવાની રહેશે.મહત્વની વાત એ છે કે,આજથી એક વર્ષ અગાઉ આ કોર્ષ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે ગ્રાન્ટ ઇન એઇડમાં આ અભ્યાસ કરવાની વાત હતી જોકે બાદમાં બીજી મીટીંગમાં આ કોર્ષ સ્વનિર્ભરથી શરૂ કરવાનું મિનિટ્સમાં નોંધવામાં આવ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

એકટનો ભંગ : બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગમાં 10 ના બદલે 28 પ્રોફેસર હાજર રહ્યા !
વિશ્વસનીય સૂત્રોએ દાવા સાથે જણાવ્યું કે,યુનિવર્સિટી એકટ મુજબ બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગમાં મહત્તમ 10 સભ્યો હાજર રહી શકે.પણ તાજેતરમાં એલએલએમ શરૂ કરવા મળેલી બેઠકમાં કુલ 28 પ્રોફેસર હાજર રહ્યા હતા.જેમાં કચ્છ યુનિવર્સિટીના 6 અને બે કોપ્ટ સભ્ય બરોડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હતા જે માન્ય છે આ સિવાય અન્ય યુનિવર્સિટીઓના અધ્યાપકો પણ જોડાયા હતા.જે યુનિવર્સિટીના એકટનો ભંગ હોવાનું જાણવા મળ્યું છે.

મીટીંગમાં એક પ્રોફેસરે કહ્યું, ગુજરાત યુનિવર્સિટીનો અભ્યાસક્રમ કોપી કરી લ્યો
કચ્છ યુનિવર્સિટી અલાયદી છે અને પોતાના એકટ સાથે વિવિધ બાબતોની સતા ધરાવે છે.યુનિવર્સિટી દ્વારા નવો કોર્ષ શરૂ કરવામાં આવે તો અભ્યાસક્રમ પણ અહીં જ નક્કી થતો હોય છે.બોર્ડ ઓફ સ્ટડીઝનું મુખ્ય કામ સિલેબર્સ નક્કી કરવાનું હોય છે.8 સભ્યો પૈકી બહુમતીના આધારે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવતો હોય છે.જોગવાઈ પ્રમાણે 15 સપ્ટેમ્બરથી અભ્યાસ શરુ કરી દેવુ જોઈએ અને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેમજ આટલા ઓછા દિવસોમાં અભ્યાસક્રમ કેવી રીતે બનાવવો જેથી તાજેતરમાં મળેલી બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગમાં એક પ્રોફેસરે કહ્યું હતું કે,હવે ગુજરાત યુનિવર્સિટીનો અભ્યાસક્રમ કોપી કરી લ્યો જે ખરેખર કચ્છ યુનિવર્સિટીના એકટનો ભંગ છે.

શરૂઆતથી ગંભીરતા ન દેખાઈ, સ્થાનિક પ્રોફેસરોને જ વિશ્વાસમાં નથી લીધા
આ કાયદાનો અભ્યાસક્રમ છે જે શરૂ કરવામાં શરૂઆતથી જ ગંભીરતા દાખવાઈ નથી તેવું જણાવતા સૂત્રો કહે છે કે,બોર્ડ ઓફ સ્ટડીઝમા હાજર અન્ય યુનિવર્સિટીના સભ્યોએ llm શરૂ કરવા મંજૂરીની જરૂર ન હોવાનું કહ્યું હતું જેથી તેઓના પગલે મંજુરી લેવાઈ નથી પણ ખરેખર તે યુની.માં 1990 અને તે બાદના વર્ષોમાંથી કોર્ષ શરૂ છે.જ્યારે મંજૂરીનો નિયમ ચાલુ વર્ષથી અમલમાં આવ્યો છે તેમજ સ્થાનિકે આ વિભાગ સાથે સંકળાયેલા પ્રોફેસરોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...