ભુજ શહેરમાં નગરપાલિકાની દબાણ શાખા દ્વારા મન મરજી મુજબના દબાણો હટાવવાની કામગીરી થતી હતી. જેનો ચોતરફથી વિરોધ થયા બાદ ખુદ દબાણ શાખા દબાણમાં અાવી ગઈ હતી અને અંતે દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખ્યાના હેવાલ છે.ભુજ નગરપાલિકામાં સ્ટાફ ઘટ વચ્ચે ક્વોલિફાઈડ કર્મચારીઅોનો પણ અભાવ છે, જેથી ગમે તેને શાખા અધ્યક્ષ બનાવી દેવાય છે. જેને કારણે કામગીરીમાં મનમાની જોવા મળતી હોય છે. જેની ફરિયાદો અવારનવાર થતી હોય છે.
તાજેતરમાં દબાણ શાખા દ્વારા અાખા ભુજ શહેરમાંથી દબાણ હટાવવાને બદલે કોઈકના હિત અહિતને નજરમાં રાખીને અમુક દબાણો જ હટાવાતા હતા અને અમુક દબાણો બક્ષી દેવાતા હતા. તટસ્થતા રહી ન હતી. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ નગરપાલિકાના અમુક કર્મચારીઅો જ દબાણ કરી બેઠા છે. નવાઈની વાત તો અે છે કે, અેમાંથી કેટલાકને દબાણ હટાવની કામગીરીમાં જોતરવામાં અાવ્યા હતા. જેની ફરિયાદો વધી જતા હાલ દબાણ હટાવની કામગીરી સ્થગિત કરી દેવાઈ છે. જેના પગલે જિલ્લા પંચાયત કચેરી પાસેના ફૂટપાથ ઉપર પાથરણા પાથરી ધંધો કરનારા પુન: ગોઠવાઈ ગયા છે. જેની ભીતિ દિવ્ય ભાસ્કરે વ્યક્ત કરી જ હતી.
બેંક પછવાડે જાહેર શાૈચાલયનું અસ્તિત્વ ન રહ્યું
સ્ટેટ બેંક અોફ ઈન્ડિયાની પાછળ જાહેર શાૈચાલય હતું. જેનું અસ્તિત્વ જ નથી રહ્યું. અનમરિંગ રોડ પાસે જાહેર શાૈચાલય બનાવવા નગરપાલિકા પાસે રજુઅાત અાવતી હોય છે. પરંતુ, જગ્યાના અભાવનું કારણ અાગળ ધરી દેવાય છે. જો જૂની જગ્યાઅે અસ્તિત્વ ખોઈ બેઠેલા જાહેર શાૈચાલયનું પુન:નિર્માણ થાય તો વેપારીઅો અને ખરીદી કરવા અાવનારા લોકોને રાહત રૂપ થાય. પરંતુ, નગરપાલિકાઅે અે તરફ ધ્યાન જ અાપ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.