નાગરોના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવના વડનગર ખાતે આવેલા પ્રાચીન અને સ્થાપત્યથી ભરપૂર હાટકેશ્વર મંદિર ખાતે તા. 7મી મે ના વડનગ૨ અને નાગરો વચ્ચેના અનુબંધને ઉજાગર કરવાના હેતુસર ગુજરાતના નામી કલાકારો દ્વારા સાહિત્ય, સંગીત, નૃત્ય અને નાટયનો અને અનન્ય ચતુરંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રવાસન નિગમ અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાટકેશ્વર મંદિરના પ્રાંગણમાં રાત્રિના આઠ વાગ્યે યોજનારા આ કાર્યક્રમમાં કચ્છી કલાકારો પણ પોતાની કલાના અજવાળાં પાથરશે. નોંધનીય બાબત એ છે કે, આ તમામ કાર્યક્રમમાં કચ્છી કલાકારોનો દબદબો રહેનાર છે.
ભુજના ડો. માર્ગી કીર્તિકુમાર હાથીની પરિકલ્પના અને પ્રસ્તુતી વાળા બહુ આયામી મનોરંજન કાર્યક્રમમાં મુળ ભુજના અને અમદાવાદ રહેતાં ગુજરાતના જાણીતાં નૃત્યાંગના ઉમાબહેન અંતાણીની પુત્રી શિવાંગી પોતાના સાથી કલાકારો સાથે ભારતનાટયમ્ રજુ કરશે. ભુજના સ્વ. યોગેન્દ્રભાઈ વૈદ્યના પુત્રી સ્વાતી પોટાના પુત્રી શ્રેયા પોટા પોતાના સાથી કલાકારો સાથે કથ્થકનૃત્ય રજુ કરશે.
આ સિવાય ગુજરાતના જાણીતા કલાકાર અર્ચન ત્રિવેદી અને સાથી કલાકારો હાસ્યનાટિકા પ્રસ્તુત કરશે. વનગરના ભવ્ય સાંસ્કૃતિક, પુરાતત્વીય વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી રજુ થનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતના અગ્રણીઓ હાજરી આપનારા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.