આ વર્ષે સરદાર સરોવરમાં નર્મદાના નીરની ઉપલબ્ધિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે ઉનાળુ પાક માટે 2.70 મિલિયન એકર ફીટ પાણી પૂરું પાડવાની જાહેરાત કરી છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે ધાન્ય પ્રકારના ખરીફ પાકો જેમાંથી ઘાસ ચારાનો પણ ઉપયોગ થઈ શકે તેવા મોટાભાગના ધાન્ય પાકો અતિ અને સતત વરસાદને કારણે નીષ્ફળ ગયા હતા. જેને પરિણામે આ વર્ષે ઘાસ ચારાની તંગી અત્યારથી જ દેખાવા મંડી છે અને ભવિષ્યમાં વધશે. બીજું કે, ગત વર્ષે એરંડાના સંતોષકારક ભાવો મળ્યા હતા તેથી આ વર્ષે નર્મદા કમાંડ વિસ્તારમાં એરંડાના પાકોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે.
કેનાલ મારફતે પાણી મોડું મળ્યું હતું એટલે એરંડાના પાકમાં હવે સારો ફાલ લાગ્યો છે જો હજુ વધુ સમય પાણી મળશે તો પાકના ઉતારામાં ઘણો મોટો લાભ થાય તેમ છે. કેનાલની આજુબાજુ જ્યાં બાગાયતી પાકો છે ત્યાં મોટાભાગે વધુ ટીડીએસ નું પાણી છે આવા બાગાયતી પાકોને નર્મદાનું પાણી મળે તો પાકમાં ઘણો ફાયદો થાય છે.
આમ જો 15 મી એપ્રીલ સુધી પાણી મળે તો એરંડાના પાકને અઢળક લાભ થાય તેમ છે, ઘાસ ચારા માટે જુવાર, મહુડોનું વાવેતર કરી પશુધન માટે ખોરાકનો પ્રશ્ન હળવો કરી શકાય તેમ છે અને બાગાયતી પાકોને વધુ ટી ડી એસ વાળા પાણીની સાથો સાથ નર્મદાનું ઓછા ટીડીએસ વાળું પાણી મળે તો બાગાયતી પાકોમાં ફાયદો થશે અને કેનાલની આજુબાજુ આવેલ બોર, તળાવો વિગેરેમાં પાણી ભરીને ભુગર્ભ જળ ઊંચા લાવી શકાય તેમ છે. આમ વિવિધ ફાયદાઓ ધ્યાનમાં લઈને નર્મદાનું પાણી 15 મી એપ્રીલ સુધી ચાલુ રહે તો આગામી મહિનામાં ઘાસની તંગી દૂર કરી શકાય તેવું અખિલ ગુજરાત વિકાસ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કાંતાબેન છગનભાઈ પરડવાએ જણાવ્યું હતું.
કચ્છ શાખા નહેર રીપેરીંગ માટે આગોતરા પગલા ભરવા પડશે
વિધાન સભાના અધ્યક્ષ શંકર ભાઈ ચૌધરીએ તેમના મત વિસ્તારમાં જાહેરાત કરી છે કે, નર્મદાનું પાણી 15 મી એપ્રીલ સુધી ચાલશે પછી એક મહિનો રીપેરીંગ માટે બંધ રહેશે અને ફરીથી ચાલુ કરવામાં આવશે તો કચ્છ જિલ્લા માટે પણ આવું આયોજન થાય તે જરૂરી છે. કચ્છ જિલ્લામાં અમુક કામો પૂરા કરવા માટે વધુ સમય લાગે તેમ છે તેવું ઇજનેરી વર્તુળોમાંથી જાણવા મળેલ છે, તો 15 મી એપ્રિલથી 31 મી મે સુધી એટલે કે દોઢ મહિનો રીપેરીંગ માટે કેનાલ બંધ રાખવામાં આવે અને જરૂરી બધા કામો ઝડપથી સમય મર્યાદામાં પુરા કરવામાં આવે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા અગાઉથી નક્કી કરવામાં આવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.