ભુજ વિધાનસભા મત વિસ્તારના પરિણામોથી અેવા અણસાર મળ્યા છે કે, ભવિષ્યમાં ભુજ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ જશે. કેમ કે, કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નંબર 1, 2, 3માં કોંગ્રેસ કરતા અોવૈસીની પાર્ટી અે.અાઈ.અેમ.અાઈ.અેમ.અે કોંગ્રેસને બીજા ત્રીજા સ્થાને ધકેલી દીધી છે!
ભુજ નગરપાલિકાની 2015માં ચૂંટણીઅો થઈ હતી, જેમાં 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીઅે 26 બેઠકો કબજે કરી લીધી હતી. કોંગ્રેસને માત્ર 15 બેઠકો મળી હતી, જેમાંથી 12 બેઠકો વોર્ડ નંબર 1, 2, 3માંથી હતી. જે 12 નગરસેવકોમાંથી અેક નગરસેવકે પાણી મુદ્દે રાજીનામું ધરી દેતા પેટા ચૂંટણી થઈ હતી, જેમાં ભાજપે કોંગ્રેસ પાસેથી અે બેઠક પણ અાંચકી લીધી હતી, જેથી કોંગ્રેસની 15માંથી ઘટીને 14 બેઠકો થઈ ગઈ હતી.
અને ભાજપની 29માંથી વધીને 30 થઈ ગઈ હતી. જોકે, પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસે પાણી, ગટર, સફાઈ, રોડ સહિતના પ્રશ્ને અનેક મોરચા કાઢ્યા હતા. અામ છતાં પાંચ વર્ષ પછી 2021ની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો વધવાને બદલે ઘટી હતી અને માત્ર 8 બેઠકો થઈ ગઈ હતી, જેમાં વોર્ડ નં. 1માં કોંગ્રેસે ચારે ચાર બેઠક કબજે કરી હતી અને વોર્ડ નંબર 2માં માત્ર ત્રણ બેઠક મેળવી હતી. પરંતુ, વોર્ડ નંબર 3માં અેકેય બેઠક મેળવી ન હતી. જે ગંભીરતા સમજ્યા વિના કોંગ્રેસ યોગ્ય દિશા પકડી ન શકી અને માત્ર નગરપાલિકાને લક્ષ્યાંક બનાવીને પાણી, ગટર, સફાઈ, રોડના પ્રશ્ને નગરપાલિકામાં મોરચા કાઢતી રહી.
હકીકતમાં ભાજપે પાણી સ્થિતિ સુધારી હતી અને ગટરની સમસ્યા ઉપર પણ અગાઉના વર્ષો કરતા ઘણે અંશે કાબૂ મેળવી લીધો હતો, જેથી મોંઘવારી, બેરોજગારી, પેપર ફૂટવા જેવી ગંભીર સમસ્યા વચ્ચે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અેનો કોઈ ફાયદો થયો નહીં. ઉલ્ટું વિધાનસભા મત વિસ્તારના વોર્ડ નંબર 1, 2 અને 3માં અોવૈસીની પાર્ટી અે.અાઈ.અેમ.અાઈ.અેમ.અે પ્રથમ સ્થાન મેળવી કોંગ્રેસને ત્રીજા સ્થાનમાં ધકેલી દીધી છે.
જો, ત્રણ વર્ષ પછી 2025માં ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં અોવૈસીની પાર્ટી અે.અાઈ.અેમ.અાઈ.અેમ. ઝંપલાવશે તો હાલની સ્થિતિઅે જોતા કોંગ્રેસને અેકેય બેઠક મળશે નહીં અને ભુજ નગરપાલિકા કોંગ્રેસ મુક્ત થઈ જશે.
મતદાન બાદ યશ લેવા ગયેલા નગરસેવકો પરિણામમાં પાછા પડ્યા
ભુજ નગરપાલિકાના શાસક પક્ષના ચોક્કસ વોર્ડના નગરસેવકો મતદાન બાદ તેમની મહેનત થકી તેમના વોર્ડમાં ઊંચા મતદાનનો યશ લેવા ગયા હતા. પરંતુ, પરિણામોમાં ભાજપ તરફથી ઊંચું મતદાન બતાવવામાં નિષ્ફળ ગયા હતા, જેથી અન્ય ચોક્કસ વોર્ડના નગરસેવકોઅે યશ લેવાની તક ઝડપી લીધી હતી. જોકે, અાખા રાજ્યમાં મોદી વેવનો લાભ ભાજપને થયો છે. અે સ્વયં સ્પષ્ટ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.