ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં દિકરીઓેની મહેનત રંગ લાવી છે. કોરોના કાળ પછી ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જેઓની ઘરની આર્થિક સ્થિત નબળી પડી, પરિવારના સભ્યો કોરોનામાં મૃત્યુ પામ્યા.
આવી કપરી સ્થિતિનો પણ સામનો કરી અને આજે જાહેર થયેલા પરિણામમાં પોતાની ક્ષમતા પુરવાર કરી દેખાડી છે. આવી જ સ્થિતિનો સામનો કરીને મૂળ નખત્રાણા તાલુકાના વડવા કાંયામાં રહેતા ડ્રાઇવીંગ અને વણાટનું છૂટક કામ કરીને પેટીયું રળતા પ્રવીણભાઇ બુચીયાની દિકરી ભારતીએ વગર ટ્યુશને અને વિકટ પરિસ્થિતિમાં 92.29 ટકા સાથે એ-વન ગ્રેડ મેળવીને બતાવી દીધું છે કે સ્થિતિ ગમે તેવી હોય પણ ધગશ હોય તો કોઇપણ બાબત અશક્ય નથી.
ભણવા માટે દાદા દાદી સાથે દેવપર ગામમાં રહેવા આવી અને વિથોણની શાળા સંત ખેતાબાપામાં એડમિશન લીધું. વર્ષ 2021નો કપરો કોરોના કાળ શરૂ થયો, શાળાઓ બંધ થઇ, પરિવારમાં દાદીને અને પડોશમાં જ રહેતા રહેતા ફઇને કોરોના થયો. વિધીની વક્રતા એવી થઇ કે માત્ર એક બે દિવસના અંતરમાં જ દાદી અને ફઇ અવસાન પામ્યા. દાદી સાથે રહેતી ભારતી માટે આ દુ:ખ અસહ્યનીય હતું. છતાં પણ આ સ્થિતિનો સામનો કરી અને ભણવામાં મન લગાવ્યું. કોઇપણ ટ્યુશન ના લીધું અને માત્ર શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પરીક્ષા આપી અને ઝળહળતી સિધ્ધી મેળવી.
આ સિધ્ધી કઇ રીતે મેળવી તેવું પૂછતા ભારતી કહે છે કે રોજના માત્ર 3થી 4 કલાક વાંચન કરતી હતી પણ એકદમ મન લાગવીને કરતી. સંત ખેતા બાપા શાળામાં પ્રથમ ક્રમાંકે આવનારી ભારતીને ક્લાસ વન ઓફિસર બનવાની ઇચ્છા ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.