આ રસ્તા પર કેમ ચાલવું?:રાપરનો ફતેહગઢ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન, 2 કિમીનું અંતર કાપવા માટે 20 કિમી જેટલો સમય લાગે છે

કચ્છ (ભુજ )20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર પાણી ચીકણી માટીના ખાડાઓથી હાલાકી

રાપર તાલુકાના ફતેહગઢ ગામને મોવાના સાથે જોડતો બે કિલોમીટરનું અંતર ધરાવતો માર્ગ છેલ્લા બે માસથી બિસ્માર બન્યો છે.જેના કારણે અહીંથી પસાર થવામાં લોકોને 20 કિલોમીટરનું અંતર પસાર કરવા જેટલો સમય લાગી રહ્યો છે. માર્ગની વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણીના કારણે ચીકણી માટીમાંથી લોકોને નીકળવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને અહીંથી પસાર થતા બાઈક ચાલકો માટે સામાન્ય ભૂલ અકસ્માતનું કારણ બની જતી હોય છે. અનેક લોકો અત્યાર સુધી માર્ગ વચ્ચેના કીચડમાં પડી ગયાનું સામે આવ્યું છે.

તંત્ર દ્વારા તાકીદે માર્ગ સુધારનું કામ હાથ ધરાય એવી ગ્રામજનોની માંગ
આ વિશે મોવાના તથા ફતેહગઢ ગામના અગ્રણીઓ દ્વારા સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હજુ સુધી આ માર્ગના અવરોધરૂપ ખાડાઓ અને કાદવ કિચડ અંગે કોઈ નિવારણ આવી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે બે માસ પૂર્વે આ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ અહીંનો માર્ગ ધોવાઈ જવા પામ્યો છે. અને સમયાંતરે પડેલા વરસાદી ઝાપટાથી માર્ગમાં સતત પાણી ભરાયેલા રહે છે. જેના કારણે માર્ગ વચ્ચે ચીકણી માટી હોવાથી મસમોટા ખાડા સર્જાય છે. કાદવ વાળા માર્ગ પરથી નાના મોટા તમામ વાહનોને ખુબજ સાવચેતી પૂર્વક પસાર થાઉં પડે છે. જેમાં માનવ સમયનો વ્યય થતો હોવાથી લોકોના વહીવટી કાર્યો ઉપર પણ અસર થતી હોવાનું દિપુભા જાડેજાએ કહ્યું હતું. તંત્ર દ્વારા તાકીદે માર્ગ સુધારનું કામ હાથ ધરાય એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...