નર્મદાની દુધઇ સબ બ્રાન્ચ કેનાલની મૂળ યોજનામાં ફેરફાર કરીને કેનાલના બદલે પાઇપ લાઇન નાખવાના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો વિરોધ કરી રહેલા આહિર પટ્ટીના ખેડૂતોએ આપેલી મહેતલ પૂરી થવા છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં ગરૂવારથી કિસાનો દ્વારા ભુજમાં કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા કરાશે. આ નિર્ણય ભુજ ખાતે મળેલી ભારતીય કિસાન સંઘની જિલ્લા સ્તરીય બેઠકમાં લેવાયો હતો.
જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ધરતીપુત્રોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, કેનાલના બદલે પાઇપ લાઇન નાખવાના વિરોધ રૂપે અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી ન હલવાથી રૂદ્રમાતાથી ભુજ સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને માંગણી બુલંદ બનાવાઇ હતી. રેલી બાદ પાઠવાયેલા આવેદનમાં તા. 10/5 સુધીની મહેતલ અપાઇ હતી જે પૂરી થવા છતાં કોઇ નોંધ નથી લેવાઇ. હવે તા. 12/5થી કલેક્ટર કચેરી સામે ખેડૂતો ધરણા પર ઉતરશે અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
આ ઉપરાંત ખેતીવાડીમાં મીટર પ્રથા માટે પણ ધરતીપુત્રોમાં રોષ હોતાં જે તે સમયે સત્તાધિશો અને પ્રદેશ કિસાન સંઘના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ મામલે પણ અત્યાર સુધી માત્ર ઠાલાં વચનો જ મળ્યા છે તેમ ધરતીપુત્રોએ ઉગ્ર સ્વરે જણાવ્યું હતું. આ મુદ્દે પણ આગામી સમયમાં કાર્યક્રમ આપવાનું ઠરાવાયું હતું. જિલ્લા મંત્રી વાલજીભાઇ, હરજીભાઇ વોરા, રામજી છાંગા, પ્રેમજીભાઇ, મોહનભાઇ લિંબાણી તેમજ તમામ તાલુકાના પ્રમુખ અને મંત્રી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા મંત્રી ભીમજી કેરાસિયાની યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.