નર્મદાની દુધઇ પેટા શાખા નહેરની મૂળ યોજનામાં ફેરફાર કરીને કેનાલને બદલે પાઇપ લાઇન નાખવાનો વિરોધ કરી રહેલા કિસાનોએ ભુજમાં કલેક્ટર કચેરી બહાર સવારથી અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા હતા. દરમિયાન કચ્છના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખે ખેડૂતોની માગણી સંતોષવાની ખાતરી આપતાં સાંજે ધરણા સમેટાઇ ગયા હતા. દુધઇ સબ બ્રાન્ચ કેનાલમાં બાકી રહેતા 45 કિલો મીટરના કામમાં મૂળ યોજના બદલાવીને કેનાલ નહીં પણ પાઇપ લાઇન વાટે રૂદ્રમાતા ડેમમાં પાણી પહોંચાડવા સરકારે લીધેલા નિર્ણયનો વિરોધ કરી રહેલા ભારતીય કિસાન સંઘે અનેકવાર રજૂઆતો કરી હતી.
ખેડૂતોની માગણી બેઅસર રહેતાં ગત માસના અંતમાં રૂદ્રમાતાથી ભુજ સુધી ધરતીપુત્રોએ ટ્રેક્ટર રેલી યોજીને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં તા. 10/5ની અંતિમ મુદ્દત આપી હતી તે પૂરી થતાં ભુજમાં સવારથી કલેક્ટર કચેરી બહાર આહિર પટ્ટીની સાથે કચ્છના 500 જેટલા ધરતીપુત્રોએ ધરણા શરૂ કર્યા હતા.
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાના કહેવા મુજબ સાંજે છાવણીની મુલાકાતે આવેલા સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે પાઇપ લાઇન નહીં નખાય પણ મૂળ યોજના મુજબ જ કેનાલ વાટે પાણી પહોંચાડાશે અને રાજ્ય સરકારે ખેડૂતોની માગણી સ્વીકારી લીધી છે તેવી ખાતરી આપતાં ધરણા સમેટી લેવાયા હતા.ઉલ્લેખનીય છે કે, શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ ભુજની મુલાકાતે આવી રહ્યા છે તે પૂર્વે કિસાનોએ શરૂ કરેલા ધરણાએ પરોક્ષ રીતે દબાણ ઉભું કર્યું હોવાનું મનાય છે.
કંકોત્રીમાં નર્મદા લાવોનું સૂત્ર છપાયું !
કચ્છ માટે નર્મદાના નીર કેટલા મહત્વના છે તેની સાબિતી આપતો એક કિસ્સો બહાર આવ્યો છે. મળતી માહિતી મુજબ ભુજ તાલુકા પંચાયતના સભ્યના ઘરે લગ્ન પ્રસંગ હોતાં તેમણે છપાવેલી કંકોત્રીમાં ‘નર્મદા લાવો, કચ્છ બચાવો’સૂત્રનો પણ સમાવેશ કરાયો છે. આ નવતર પહેલે લોકોમાં ભારે આશ્ચર્ય જગાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.