કૃષિ:કપાસમાં મણ દીઠ રૂ.1000 થી 1200ના ભાવ વધારાથી ખેડૂતોની દિવાળી સુધરી

મોખાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની તુલનાએ આ વખતે કિમત ઉંચકાઇ, જો કે ઉત્પાદન ઓછું

ગત વર્ષની તુલાનાએ આ સાલે કપાસના ભાવમાં મણદીઠ 1000થી 1200 રૂપિયાનો ભાવ વધારો મળતાં ખેડૂતોની દિવાળી સુધરી છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું છે. વધુ વરસાદને કારણે કપાસના પાક પર માઠી અસર જોવા મળી છે પરંતુ બજાર ગરમ હોવાને કારણે ખેડૂતોને આર્થિક ફાયદો થશે. કચ્છમાં કપાસના પાકનો મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ વધુ વરસાદ અને ઋતુ ફેરને કારણે પાક સમય કરતાં પહેલા પૂરો થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ માર્કેટયાર્ડમાં કપાસની આવક ગત વર્ષની સરખામણીએ ઓછી છે.

પરંતુ ભાવની સરખામણીમાં 40 કિલો દીઠ 1000 થી 1200 રૂપિયા વધુ છે. ગતવર્ષે દિવાળી પહેલા 2400 જેટલો ભાવ હતો જ્યારે ચાલુ વર્ષે 3600 જેટલો ઊંચો ભાવ શરૂઆતની બજારમાં મળતા ખેડૂતોને રાહત મળી છે.અંજાર માર્કેટયાર્ડના વેપારી ધર્મેશભાઈ એ જણાવ્યું કે ગત વર્ષે કપાસની ક્વોલિટી સારી ન હતી જેના કારણે દિવાળી પહેલા બજારમાં માલની આવક વધુ હતી.

જ્યારે ચાલુ વર્ષે ગુણવત્તા સારી હોતા ખેડૂતોએ સંગ્રહ કરી એકસાથે વેચવા પર વધુ ધ્યાન આપ્યું છે. જેના કારણે હાલ કપાસની આવક ઓછી છે. જોકે દિવાળી પહેલા કપાસના ભાવ સારા હોતા ખેડૂતોને લાભ મળ્યો છે. ભાવ વધુ હોતા સરકારને ટેકાના ભાવે ખરીદી કરવાની જરૂર નથી પડી.આહીરપટ્ટીના કિસાન સામજીભાઈ વાસણભાઈ આહિરે જણાવ્યું કે ખેડૂતોને તૈયાર માલનો ભાવ ઓછો મળતો પરંતુ ચાલુ સિઝનમાં દિવાળી પહેલા કપાસના ભાવમાં સારો એવો વધારો થયો છે. જેના કારણે તહેવાર સુધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...