ઉચ્ચ શિક્ષણનો વિકાસ રૂંધાયો:ડિજિટલ ગણાતી કચ્છ યુનિ.નેકના માપદંડથી ઘણી દૂર

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સ્ટર્નલ કોર્સ બંધ હોવાથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને થાય છે હાલાકી
  • તાજેતરમાં વડોદરા, સુરતની યુનિ.માં નેકની ટીમે વિઝીટ કરી : કચ્છ યુનિ.માં 12 જગ્યાઓ ભરાય પછી જ નેકની મંજૂરી મળે

કચ્છમાં ઉચ્ચશિક્ષણની સવલતો મળી રહે એ માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ભુજમાં પાયો નાખવામાં આવ્યો હતો અને રાજ્યની ડિજિટલ યુનિવર્સિટીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે પણ સ્થાપનાના આટલા વર્ષો પછી પણ કચ્છ યુનિવર્સિટી નેકના માપદંડથી ઘણી દૂર હોઈ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે,દર પાંચ વર્ષે નેકની ટીમ દ્વારા યુનિ.ની શૈક્ષણિક અને વહીવટી સહિતની ગુણવત્તાની ચકાસણી કરીને ગ્રેડેશન આપવામાં આવે છે.

આ માટે નેકની ટીમ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સંશોધન, સુવિધા, શિક્ષણના માધ્યમો, ચકાસણી, સર્જનાત્મકતા અને વહીવટના પાસાઓનું અવલોકન કરવામાં આવતું હોય છે જેના આધારે નેક દ્વારા ગ્રેડ આપવામાં આવે છે.સારો ગ્રેડ ધરાવતી યુનિવર્સિટીને શૈક્ષણિક સવલતો વધારવા માટે એક્સ્ટ્રા ગ્રાન્ટ મળે છે પણ અત્યારસુધી કચ્છ યુની. આ સર્વેક્ષણમાં ભાગ જ લઈ શકી નથી.કારણકે અહીં પ્રોફેસરની ઘટ સહિતની સમસ્યા છે તેમજ અગાઉ ભરતી પ્રક્રિયા કરવા છતાં પૂરતા ઉમેદવાર મળ્યા ન હતા.

નેકની ટીમ ચકાસણીમાં આવે ત્યારે રિસર્ચથી માંડીને આઇટી સેકટર, વિદ્યાર્થી સુવિધા, સ્ટુડન્ટ્સ લાઇફ સિસ્ટમ પ્રોજેકટમાં સંકળાયેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે મુલાકાત વિગેરેને પણ મહત્વ અપાતું હોય છે.

આથી હકીકતમાં જેમને પ્રત્યક્ષ નેકમાં મૂલ્યાંકન કાર્ય કર્યું હોય તેવા સભ્યોની કોર ટીમ બનાવવી જોઈએ જેથી કરીને પ્રત્યક્ષ મૂલ્યાંકનની પદ્ધતિઓ જાણી શકાય નેકનો સારો ગ્રેડ મેળવવા માટે સમયાંતરે સેમિનારો, વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન કરવું જોઈએ સાથે આંતરમાળખાગત સુવિધાઓ સુધારવી આવશ્યક છે.કચ્છ યુનિવર્સિટીના વર્તમાન સત્તાધીશોએ જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી પ્રોજેકટમાં ગતિ આવી છે.આ બાબતે અગાઉ કુલપતિ અને કુલસચિવનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેઓએ માપદંડ સુધારાના પ્રયાસો ચાલુમા હોવાનું નિવેદન આપ્યું હતું.

પ્રોફેસરની અછત સહિતના પડકારો દૂર થાય તો ગ્રેડ ઊંચકાય
કચ્છ યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજોમાં ખાસ તો સિનિયર અને અનુભવી પ્રોફેસરોનો અભાવ જોવા મળી રહ્યો છે,સ્ટાફની ઘટના કારણે સંશોધન અને પેટન્ટ ઓછા છે તેમજ પૂરતા પ્રમાણમાં રિસોર્સીસનો અભાવ, અદ્યતન અભ્યાસક્રમોનો અભાવ, આંતરિક હુંસાતુંસી અને અનુભવી અધ્યાપકોની નિરસતા તેમજ છાત્રોની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ ન આવવો,સેનેટ સભ્યો હજી નિમાયા નથી સહિતના પડકારો દૂર થાય તો ગ્રેડ ઊંચકાય તેમ છે.

શુ હોય છે નેકના માપદંડ

  • ટીચિંગ, લર્નિંગ એન્ડ ઇવેલ્યુએશન
  • રિસર્ચ, કન્સલ્ટન્સી
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લર્નિંગ રિસોર્સીસ
  • સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેસન
  • ગવર્નન્સ, લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ
  • ઇનોવેશન
અન્ય સમાચારો પણ છે...