કામગીરી:મોંઘવારી ભથ્થું ચોથા પગારપંચ મુજબ અને દરખાસ્ત છઠ્ઠા પગારપંચની કરાઇ!

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઇ ગૂંચ ન ઉકેલી શકી; એ વચ્ચે કર્મચારીઓ પાંચમાં પગાર પંચ મુજબ વેતન મેળવતા રહ્યા
  • ભુજ નગર સેવા સદનમાં મહેકમ શાખા અને ​​​​​​​એકાઉન્ટ બ્રાન્ચની કરામત

રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોના કાયમી કર્મચારીઅોને સાતમા પગારપંચના લાભ નથી મળતા અેમને સાૈથી નીચા પગારપંચમાં વેતન મેળવનારાને સાૈથી વધુ મોંઘવારી ભથ્થું અાપી વિસંગતતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ભુજ નગરપાલિકાના કાયમી કર્મચારીઅો પાંચમા પગાર મુજબ વેતન મેળવતા હતા અને મોંઘવારી ભથ્થુ ચોથા પગારપંચ મુજબ મેળવી લીધું અને દરખાસ્ત છઠ્ઠા પગારપંચની કરી દીધી છે. અામ, મહેકમ શાખા અને અેકાઉન્ટ બ્રાન્ચની કરામતે વધુ અેક ગૂંચ ઊભી કરી દીધી છે.

ભુજ નગરપાલિકામાં 360 કાયમી કર્મચારીઅોનું મંજુર મહેકમ છે. પરંતુ, સમયાંતરે ઘટ મુજબ ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ નથી, જેથી હવે માત્ર 61 કાયમી કર્મચારીઅો રહ્યા છે. જે દરમિયાન રોજંદારોઅે મજુર અદાલતમાં દાદ માંગી હતી, જેમાં નિયમિત કર્મચારીના લાભો અાપવાનો અેવોર્ડ થયો હતો. પરંતુ, નગરપાલિકાઅે પ્રાદેશિક કક્ષાઅે દરખાસ્ત કરી ન હતી અને નિયમિત કર્મચારીના મહેકમમાં સમાવી લીધા હતા, જેથી રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનરે ગાંધીનગરમાં કમિશનરને હકીકતલક્ષી અહેવાલમાં અે ક્ષતિ દર્શાવી હતી.

જોકે, ગૂંચ વચ્ચે ભુજ નગરપાલિકાના કર્મચારીઅો પાંચમાં પગાર પંચ મુજબ વેતન મેળવતા હતા. બીજી તરફ સરકારી કચેરીઅોમાં સાતમા પગારપંચ મુજબ વેતન મળતા થઈ ગયા હતા. બીજી તરફ અેવી કેટલીય નગરપાલિકામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા પગારપંચ મુજબ જ વેતન મળતા હતા, જેથી રાજ્ય સરકારે જ્યાં સુધી સાતમા પગારપંચ મુજબ વેતન ન મળે ત્યાં સુધી ચોથા પગારપંચ મુજબ વેતન મેળવતા કર્મચારીઅોને સાૈથી વધુ મોંઘવારી ભથ્થું અને અે પછી ક્રમશ: અોછું મોંઘવારી ભથ્થું અાપી વિસંગતતા દૂર કરવાનો માર્ગ અપનાવ્યો હતો.

ભુજ નગરપાલિકાના કર્મચારીઅો પાંચમાં પગાર મુજબ વેતન મેળવતા હતા. અામ છતાં ચોથા પગારપંચ મુજબ મોંઘવારી ભથ્થું મેળવી લીધું હતું. બીજી તરફ હવે છઠ્ઠા પગારપંચની દરખાસ્ત મોકલી છે. જો ચોથા પગારપંચ મુજબ વેતન મેળવતા હોય તો પાંચમાં પગારપંચની દરખાસ્ત મોકલવી પડે. અે બાદ છઠ્ઠા પગારપંચની અને છેલ્લે સાતમા પગારપંચની દરખાસ્ત મોકલવી પડે. અામ, મહેકમ શાખા અને અેકાઉન્ટ શાખાની કરામત નવી ગૂંચ ઊભી કરી દીધી છે. જોકે, પદાધિકારીઅોઅે માનવીય વલણ અપનાવ્યાના હેવાલ છે, જેથી અે ગૂંચ જ અદૃશ્ય થઈ જાય અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...