ભુજથી સ્વીફ્ટ ડિઝાયર કાર લઈને રાજસ્થાન જતા પૂર્વ સૈનિકની કાર ડિવાઈડર પર પલટી જતા તેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાથી ભુજમાં રહેતા પૂર્વ સૈનિકનું મોત થયું છે જ્યારે તેમના પત્ની ઘવાતા સારવાર માટે ઉદયપુર લઈ જવાયા છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનના હાથરસના કુરસંડા ગ્રામ પંચાયત વિસ્તારના મોતીગઢી ગામના ભૂતપૂર્વ સૈનિક 41 વર્ષીય સત્યવીર સિંહ નિવૃત્તિ પછી ભુજમાં પરિવાર સાથે રહે છે.તેઓ પત્ની મિથિલેશ, નાના પુત્ર શિવ અને મથુરાના એક સંબંધી સાથે ટ્રેન મારફતે કુરસાંડા આવવા માટે ટિકિટ બુક કરાવી હતી પણ કોઈ કારણસર તે રદ થઈ જેના કારણે ચારેય લોકો સ્વિફ્ટ ડીઝાયર કારમાં સાદાબાદ જવા નીકળ્યા હતા.
જેમાં રાજસ્થાનના બ્યાવર-પીડવારા હાઈવે પર વિરવાડા ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈને કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી.જેમાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા.જેઓને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે સત્યવીરસિંહને મૃત જાહેર કર્યા હતા જ્યારે પત્નીને ગંભીર હાલતમાં ઉદયપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પૂર્વ સૈનિકના મૃતદેહને તેમના વતન ગામમાં લાવવામાં આવતા શોક છવાઈ ગયો હતો જ્યાં તેમની અંતિમવિધિ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.