સામાન્ય રીતે ઓટીપી કોડ કે યુપીઆઇ આઇડી પરથી ઠગાઈના બનાવો બનતા હોય છે પણ ભુજના વેપારી પાસેથી કુરિયર મોકલવાના બહાને રૂ.3 નું ટ્રાન્જેક્શન કરાવી બારોબાર બીજા દિવસે તેના ખાતામાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો મામલો બન્યો છે.જેને લઈને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
ન્યુ રાવલવાડીમાં રહેતા અને વોકળા ફળીયામાં શીવ ભવાની દુકાનમાં પાન મસાલા સોપારીનો હોલસેલનો વેપાર કરતા અંકુરભાઇ ભરતભાઇ રાજદેએ શહેર એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે,આજથી નવ મહિના પહેલા તેઓએ માઉન્ટેન બ્રીઝ કંપની સૌનીપત હરિયાણા ખાતેથી માઉથ ફ્રેશનર મંગાવ્યા હતા.જે માલ એક્સપાયરી ડેટ વાળો હોઇ વેચાણ થતું ન હોવાથી 8 જૂન 2022ના માલ રિપ્લેશ કરી આપવા માટે કંપનીના સેલ્સ કોર્ડીનેટર અનુજભાઇને જાણ કરતા તેમણે safexpress નામના કુરીયારમાં માલ મોકલી આપવાનું કહેતા ગુગલ પર કુરીયરના નંબર સર્ચ કર્યા હતા.
જેમાં મો.+૯૧૮૬૩૭૩૯૧૩૫૪ વાળા આવતા કોલ કર્યો હતો.જેથી સામાવાળાએ હિન્દી ભાષામાં વાત કરી એક લિંક મોકલી હતી જેમાં રૂ.3 નું ટ્રાન્જેક્શન કરવું પડશે કારણકે ડોર ટુ ડોર ડીલીવરી સર્વિસ છે તેવું જણાવ્યું હતું.જેથી મોકલાવેલી લિંક ઓપન કરતા રૂપિયા કપાઈ ગયા પણ બીજા દિવસે 50 હજારના 2 ટ્રાન્જેક્શનમાં રૂ.1 લાખ ખાતામાંથી કપાઈ ગયા હતા.ઓટીપી કે યુપીઆઈ આપ્યા વગર ખાતામાંથી 1 લાખ કપાઈ જતા ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.
જેથી કુરિયરની બાબતે થયેલી ઠગાઈમાં ગુનો દાખલ કરવામાં આવતા પીઆઇ અંકુર પટેલે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે,હાલમાં ભુજ શહેરમાં છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે અને પખવાડિયામાં જ ઠગાઈના 6 જેટલા બનાવો તો પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે ત્યારે લોકો સાવચેતી દાખવે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.