સરકારે ધૂળેટીની રજા બુધવારે બતાવી છે અને કેટલાક લોકો મંગળવારે ધૂળેટી મનાવવાના છે, જેથી કર્મચારીઅો સોમવારે ફેરફારના પરિપત્રની પ્રતિક્ષામાં જોવા મળ્યા હતા. અામ, ચંદ્ર માસ અાધારિત હિન્દુ તહેવારની ઉજવણીની વિસંગતતા ફરી અેક વખત સામે અાવી છે.
સનાતન ધર્મમાં ચંદ્રની ગતિ ઉપર તિથિ નક્કી થતી હોય છે અને તહેવારો તિથિ પ્રમાણે ઉજવાતા હોય છે. વળી, સનાતન ધર્મમાં સૂર્યોદય સમયે જે તિથિ હોય અે તિથિ માન્ય ગણાય છે. પરંતુ, કેટલીક વખત ચંદ્ર સૂર્યોદય પછી તિથિ બદલતો હોય છે, જેથી તિથિ અાધારિત હિન્દુ તહેવારોની ઉજવણીમાં દરેક સંપ્રદાયમાં મતમતાંર જોવા મળે છે.
જ્યારે સરકારી કેલેન્ડરમાં ભારતીય સનાતન ધર્મના પંચાંગ મુજબ તિથિની ઉજવણી બતાવવામાં અાવે છે. અા વખતે હોળી દહન અને ધૂળેટીની ઉજવણીમાં પણ વિસંગતતા ઊભી થઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના કેટલાક ધાર્મિક કેલેન્ડરોમાં હોળી દહન સોમવારે અને ધૂળેટી મંગળવારે બતાવાઈ છે. જ્યારે સરકારી કેલેન્ડરમાં મંગળવારે હોળી દહન અને બુધવારે ધૂળેટી બતાવાઈ છે, જેથી કેટલાક સરકારી કર્મચારીઅો રવિવાર પછી સોમવારની રજા રાખી સળંગ ત્રણ દિવસની રજા ભોગવવાના મૂડમાં છે.
અેટલે રાજ્ય સરકાર તહેવારની ઉજવણીની રજામાં ફેરફારનો પરિપત્ર બહાર પાડે અેની પ્રતિક્ષામાં છે. જોકે, શનિવાર સુધી કોઈ પરિપત્ર બહાર પડ્યો ન હતો. રવિવારે સાંજ સુધી પણ અેવી કોઈ જાહેરાત થઈ ન હતી, જેથી હવે સોમવારે ધૂળેટીની રજા મંગળવારે જાહેર કરવામાં અાવે અેવી ઈન્તેજારીમાં જોવા મળ્યા હતા. બાકી સરકારી કર્મચારી સિવાયના લોકો ધૂળેટી બધા ઉજવતા હોય ત્યારે ઉજવી નાખવામાં રસ હોવાનો માહોલ છે.
અન્ય જિલ્લાઓમાં પ્રા. શાળાઓમાં રજા જાહેર
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લાઓમાં જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તહેવાર ઉજવી શકે તે માટે લોકલાગણીને ધ્યાને રાખીને મંગળવારે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે, પણ કચ્છમાં કોઇ સ્પષ્ટતા થઇ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.