તાલુકાના પચ્છમ વિસ્તારમાં આવેલા પૈયા ગામે પથ્થરોની ખાણમાં ખનન દરમ્યાન મોટી શીલા પડતા મધ્યપ્રદેશના ત્રણ શ્રમિકના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ગંભીર ઘટનાને પખવાડિયા જેટલો સમય વીતી ગયો છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.ત્રણ-ત્રણ શ્રમિકના મોત થવા છતાં ખાણ તંત્રએ ખનન બંધ કરાવી સંતોષ માન્યો છે ત્રણ લોકો મોતને ભેટયા અને સીસીટીવી ફૂટેજ હોવા છતાં તંત્ર દ્વારા તપાસમાં ઢીલી વૃત્તિ દાખવવામાં આવતા અનેક સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવ્યા છે.
પૈયા ગામની સીમમાં પુષ્પાબેન ભાટીના નામથી આવેલી લિઝનું સંચાલન ઇન્ડિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમકેસી કંપની દ્વારા કરવામાં આવે છે.પથ્થરોના ખનન દરમિયાન પગથીયા આકારમાં પથ્થરો કાપવાના હોય છે. જેથી હોનારત અટકાવી શકાય. પૈયાની ઘટનામાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ધડામ દઈને પથ્થરની શીલા પડી હોવાનું જણાઈ આવે છે.અગાઉ ખાણ ખનીજ તંત્ર અને પોલીસે આ બનાવ પાછળ કંપનીની જવાબદારી હોવાનું મૌખિક સ્વીકાર્યું હતું પણ પખવાડિયુ વીતી જવા છતાં કાર્યવાહી કરવામાં આળસ દર્શાવાઇ છે.23 ડિસેમ્બરના આ બનાવ બન્યો હતો.અને બીજા દિવસે લાશ મળી હતી.
હજી કાર્યવાહી કેમ નથી થઈ તે બાબતે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારીયાને પુછતા તેમણે જણાવ્યું કે,માપણી થઈ ગઈ છે પણ ત્રણ શ્રમિકના મોત મામલે કંપનીનો ખુલાસો જાણવા હજી નોટિસ પાઠવાઈ નથી,નોટિસ આપીશું તે બાદ કંપનીનો ખુલાસો આવે તેના આધારે આગળની કાર્યવાહી થશે તો ખાવડા પીએસઆઈ ડી.બી.વાઘેલાએ જણાવ્યું કે,ખાણ ખનીજ વિભાગનો રીપોર્ટ મળી ગયો છે પણ હજી હતભાગીના પરિવારજનો આવ્યા નથી.જેથી કાર્યવાહી થઈ શકી નથી.મહ્ત્વનું છે કે,આ લિઝમાં ખનન સંદર્ભે અગાઉ સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી પણ ત્યારે કોઈ પગલાં ન લેવાયા,હતભાગીઓને સેફટીના સાધનો પણ અપાયા ન હતા.હાલમાં માત્ર ખનન જ બંધ કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.