રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 341 માર્ગ ફોરલેન બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, ત્યારે અંજાર તાલુકાના ભીમાસર ગામના સર્વે નં. 550 માંથી જમીન કપાત કરવામાં આવશે તેવી જાણ થતાં ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા ઊચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ સર્વે નંબર જે જમીન કપાત થવાની છે તે જમીનમાં ભીમાસર ગામનું ઐતિહાસિક ચકાસર તળાવ આવેલું છે.
આ તળાવના પાણીનો ઉપયોગ લોકોને પીવા માટે તેમજ પશુઓને પીવા માટે કરવામાં આવે છે. અને ભીમાસર ગામને પીવાના પાણી માટે એકમાત્ર સ્ત્રોત છે. જેને તોડવામાં આવે તો મોટું નુકસાન થાય તેમ છે. આ તળાવમાં બે વર્ષ સુધીના પાણીનું સંગ્રહશક્તિ થાય છે અને અત્યારે પણ તળાવમાં પાણી સ્ટોક છે.
તેમજ આ તળાવની પાળ તોડવાથી ભવિષ્યમાં વરસાદના પાણીને પણ સંગ્રહશક્તિ કરી શકાય નહિ. તેમજ જાણકારી મુજબ આ તળાવનું વેસ્ટ વેયર પણ તોડવામાં આવશે. જેના કારણે તળાવને ખુબ મોટું નુકસાન થવાની શક્યતા છે. જે બાબતે ભીમાસર ગ્રામ પંચાયતને તેમજ ગ્રામજનોને વાંધો છે. સાંસદ, નેશનલ હાઇવે ઓથોરિટી, નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી તેમાં ધ્યાને લેવામાં આવે તે મુદ્દા પણ મૂકવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયતે મુકેલી લાગણી મુજબ આ તળાવનો પાળો તોડવામાં આવે તો તળાવની સુરક્ષા તેમજ સંગ્રહશક્તિ માટે કયા ઉપાયો કરવામાં આવશે જેની નકશા પ્લાન સાથે ગ્રામ પંચાયતને સાથે રાખી જાણકારી આપવામાં આવે. આ પાળ જે તોડવામાં આવે તે જગ્યાએ ગ્રામ પંચાયત દ્વારા સી.સી. રોડ બનાવી વોક- વે બનાવેલ છે તેમજ પાળ ઉપર ધાર્મિક જગ્યાઓ પણ આવેલ છે જેમાં સંત પુરુષોની સમાધિઓ પણ આવેલી છે જેથી લોકોની ધાર્મિક લાગણીઓ પણ દુભાય એમ છે, માટે સરકાર દ્વારા કઈ રીતે ડીઝાઈન બનાવવામાં આવી છે.
તેની જાણકારી ગ્રામ પંચાયતને આપવામાં આવે. સર્વે નં. 550માં રાજાશાહી વખતનું ઐતિહાસિક ચકાસર તળાવ આવેલ છે જે સરકારી નકશા તેમજ રેકર્ડ ઉપર પણ ઉપલબ્ધ છે. આ તળાવમાં ગ્રામ પંચાયત દ્વારા કરોડો રૂપિયા ખર્ચી ડેવલોપ કરેલ છે. અને ભીમાસર ગ્રામજનો તેમજ પશુઓ માટે પીવાના પાણીનો એકમાત્ર સોર્સ હોઈ તોડવામાં ના આવે તેમજ આ સંપાદન થનાર જમીનનું કોઈ પણ જાતનું વળતર કે તળાવ સુધારણા માટેની કોઈ પણ રકમ ગ્રામ પંચાયતને આપવામાં આવેલી નથી. ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા 2018અને 2022ના પત્રથી વાંધા અરજી અપાયેલ છે.
જેની સુનાવણી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી, કે જવાબ પણ અપાયેલ નથી જેથી ભીમાસર ગ્રામ પંચાયતની રજૂઆત અન્વયે યોગ્ય નિરાકરણ થાય અને આ રસ્તાની કામગીરીમાં રુકાવટ ના આવે તે માટે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા તેમજ જમીન સંપાદન અધિકારી દ્વારા યોગ્ય નિરાકરણ કરી તળાવને બચાવવામાં આવે તેવી માંગણી મૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.