બે બે રેલી:કર્મચારીઓની રેલી કે સરકારના પગ નીચે રેલો !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બપોરે 2 વાગે, બીજી 3 વાગે નીકળી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું: વિવિધ પડતર પ્રશ્ને કરાઇ રજુઆત
  • ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા કર્મચારી મહા મંડળના 10 હજાર સભ્યો ઉમટ્યા
  • જૂની પેન્શન યોજના પુન: શરૂ કરવા સહિતની પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધની શરૂઆતના મંડાણ

ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના પુન: શરૂ કરવા સહિતની પડતર માંગણીઅો ન સંતોષાતા ભુજ શહેરમાં બપોરે 3 વાગે રેલીની અાયોજન કરાયું હતું, જેમાં 10 હજાર સભ્યો ઉમટ્યા હતા. જ્યારે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાઅે બપોરે 2 વાગે રેલી કાઢી હતી. જે બાદ બંને સંગઠનોઅે પોતપોતાનો અલગ અલગ ચોકો ચિતરી અધિક કલેકટરને અાવેદન પત્ર અાપ્યું હતું.

આંદોલનના તબક્કા વાર કાર્યક્રમ અન્વયે શનિવારે સમગ્ર રાજ્યના જિલ્લા મથકો સાથે કચ્છ જિલ્લા મથક ભુજમાં પણ અભૂતપૂર્વ મહારેલી યોજાઈ હતી, જેમાં જિલ્લાભરમાંથી અંદાજિત 10 હજાર જેટલા કર્મચારીઓ ઉમટી પડયા હતા. અેવો દાવો રાજ્ય કક્ષાએથી ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે કર્યો હતો. રેલીનો પ્રારંભ હમીરસર તળાવ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા હારારોપણ કરી કરવામાં આવ્યો હતો.

રેલીમાં જોડાનારા કર્મચારીઓ ત્યાંથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર, બહુમાળી ભવન, એસ. પી.કચેરી, જ્યુબીલી ગ્રાઉન્ડ થઈ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. દિવ્યરાજ સિંહ જાડેજા , હરિસિંહ જાડેજા, મનીષ પટેલ, હરદેવસિંહ જાડેજા, મનોજ લોઢા, બિપીન ગોર, ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે દ્વારા અધિક કલેકટર મિતેષ પંડ્યાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રેલીના સમગ્ર આયોજનને સફળ બનાવવા વિજય ગોર, કેરણા આહીર, ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોષી , બ્રિજેશ ઠક્કર, અશ્વિન ગોર , હિતેશ ગોર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. બીજી તરફ રાષ્ટ્રીય સંયુક્ત મોરચામાં મૂળજી ગઢવી, નયન વાંઝા, પુનશી ગઢવી, કિશોરસિંહ ચુડાસમા, રમેશ ગાગલ, રામસંગજી જાડેજા, મહેશ બારડ, રણછોડ છાંગા, નરેન્દ્રગિરિ ગોસ્વામી, મીરાબા જાડેજા, વર્ષાબેન પટેલ, હાજર રહ્યા હતા.

ફિક્સ વેતન પ્રથા નાબૂદ કરો
મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કર્મચારીઓની વિવિધ 15 જેટલી માંગણીઓ છે, જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ઉપરાંત ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા, સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવા, રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની સેવા તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્રની માફક 10, 20 અને 30 વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા, 10 લાખની મર્યાદામાં કેશ લેસ મેડિકલેમનો લાભ આપવા, નિવૃત્તિ વય મર્યાદા 58 ના બદલે 60 વર્ષની કરવા, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓના અવસાનના કિસ્સામાં વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયના બદલે અગાઉની જેમ રહેમ રાહે નોકરી આપવા સહિતના વિવિધ 15 જેટલ પ્રશ્ને આંદોલન છેડાયું છે.

કઈ કઈ કચેરીના કર્મચારીઅો જોડાયા
રેલીમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો, આચાર્ય સંઘ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, આરોગ્ય, કલેકટર કચેરી , મહેસૂલ, ગ્રામસેવક, તલાટી , ન્યાય ખાતું, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, બહુમાળી ભવન વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.

7મી સપ્ટેમ્બરે 5 મંત્રીઅોની સમિતિ જોડે બેઠકમાં ઉકેલ ન અાવે તો બીજી રેલી કર્મચારીઓના આંદોલનને સમેટવા રાજ્ય સરકારે પાંચ મંત્રીઓની બનાવેલી સમિતિએ કર્મચારી મોરચાને આગામી 7 તારીખે મંત્રણા માટે બોલાવેલ છે. આ બેઠક પર રાજ્યના તમામ કર્મચારીઓની મીટ મંડાયેલી છે. આ બેઠકમાં સંતોષ કારક પરિણામ નહીં મળે તો આગામી સમયમાં રાજ્ય સયુંકત કર્મચારી મોરચા દ્વારા અગાઉ જાહેર કરાયેલ આંદોલન મૂજબ આગામી 11 સપ્ટેમ્બરના ઝોન કક્ષાએ રેલી, 17 તારીખે માસ સી.એલ., 22 તારીખે પેન ડાઉન તથા 30 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ યોજાશે તેવું મોરચાના હોદદેદારો દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...