વીજ ચેકિંગ:કચ્છમાં પાંચ દિવસમાં 1.15 કરોડની વીજ ચોરી પકડાઇ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ-દેશલપરમાં 15.52 લાખના બિલ ફટકારાયાં

સોમવારથી કચ્છમાં આવેલી રાજકોટની વિજિલન્સ ટીમોએ સળંગ પાંચ દિવસ સુધી હાથ ધરેલી ચેકિંગ ડ્રાઇવ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી કુલ્લ 1.15 કરોડ જેટલી વીજ ચોરી પકડી પાડી હતી. ઝુંબેશના પાંચમા દિવસે શુક્રવારે ભુજ અને દેશલપરમાં 15.52 લાખની વીજ ચોરી પકડાઇ હતી.

શુક્રવારે ભુજ શહેર 1 અને 2 તેમજ દેશલપર વીજ કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં સવારથી 30 ટીમોએ અભિયાન આદર્યું હતું અને દિવસ દરમિયાન ઘર વપરાશના 521 તેમ કોમર્શિયલ 114 મળીને 635 વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા જેમાં ઘર વપરાશના 50 અને 2 વાણિજ્યિક જોડાણમાં ગેરરીતિ પૂર્વક કે ચોરી સાથે વીજ વપરાશ થતો હોવાનું જણાતાં 15.52 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે માધાપર-કુકમામાંથી 45.36 લાખ, મંગળવારે ખાવડા પંથકમાં 28.53 લાખ, બુધવારે માંડવી-મુન્દ્રા વિસ્તારમાંથી 14.58 લાખ અને ગુરૂવારે નખત્રાણા, રવાપર તેમજ દયાપર પંથકમાં 11.70 લાખની મળીને પાંચ દિવસમાં 1.15 કરોડ કરતાં વધારે રકમની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

ઝુંબેશ દરમિયાન અનેક ગ્રાહકોએ સીધું થાંભલા પરથી વીજ જોડાણ લીધું હોવાનું પકડાતાં આવા કનેક્શનને તાત્કાલિક કટ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસની ઝુંબેશમાં આશ્ચર્ય વચ્ચે ખેતીવાડીનું એકપણ જોડાણ ચકાસાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...