વીજચોરી:માધાપર-કુકમા માંથી 45.36 લાખની વીજ ચોરી પકડાઇ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિજીલન્સની 33 ટીમ વિવિધ સ્થળે ફરી વળી

પીજીવીસીએલની રાજકોટ કચેરીએથી આવેલી વિજીલન્સની 33 જેટલી ટીમે માધાપર અને કુકમા વિભાગીય વીજ કચેરી તળે આવતા વિસ્તારોમાં આદરેલી ઝુંબેશ દરમિયાન 45.36 લાખની વીજ ચોરી પકડી પાડી હતી.

દિવસ દરમિયાન ઘર વપરાશના 205, વાણિજ્યિક હેતુના 247, એક ઔદ્યોગિક એકમનું તેમજ ખેતીવાડીના 11 મળી 464 વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા જે દરમિયાન ઘર વપરાશના 22, કોમર્શિયલ 18, એક ઔદ્યોગિક અને ખેતીવાડીના બે જોડાણમાં નિયમ વિરૂધ્ધ વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં વિવિધ કેટેગરીના મળીને 43 વીજ ગ્રાહકોને કુલ્લ 45.36 લાખના દંડ સહિતના બિલ ફટકારવામાં આવ્યા હતા.

ચેકિંગ ડ્રાઇવ દરમિયાન 27 ગ્રાહકો ગેરરીતિ સાથે વીજ વપરાશ કરતા હોવાનું જણાતાં કલમ 126 તળે જ્યારે 16 ઉપભોક્તા વીજ ચોરી કરતા હોવાનું જણાતાં કલમ 135 હેઠળ વીજચોરીના બિલ ફટકારવામાં આવ્યા હતા. વિજીલન્સની ટુકડીઓએ કરેલી કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

આજે અન્ય વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઇવ જારી રહેશે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભુજ વિભાગીય વીજ કચેરી કે વર્તુળ કચેરી દ્વારા પણ વખતોવખત ચેકિંગ ઝુંબેશ આદરાય છે જેને વધુ વેગીલી બનાવવા રાજકોટ કે વડોદરાની વીજ કચેરીએથી ટીમો પણ આવે છે તે દરમિયાન મોટી રકમની વીજ ચોરી પકડી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...