મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ:ચૂંટણી નજીક છે ગુજરાતની, ભાથું રજુ કરાયું કેન્દ્ર સરકારનું !

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મુખ્ય સ્તંભો : સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતાને દૃઢનિશ્ચય ગણાવ્યા
  • આઠ વર્ષ પૂર્ણ થવા અવસરે જિલ્લા ભાજપે વિવિધ યોજનાની સફળતા ગાઈ

અેક બાજુ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના નગારા વાગી રહ્યા અને બીજી બાજુ જિલ્લા ભાજપે રાજ્ય સરકારના ભાથું જણાવવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર આઠ વર્ષ પૂર્ણ થવા અવસરે કેન્દ્ર સરકારનું ભાથું ખોલ્યું હતું, જેમાં વડાપ્રધાનના પાંચ મુખ્ય સ્તંભોમાં સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢનિશ્ચયના મથાળા હેઠળ છેવાડાના માનવી સુધી પહોંચેલી વિવિધ યોજનાઅો વર્ણવી હતી.

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી પૂર્વે અાનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવીને ચૂંટણી લડાઈ હતી. પરંતુ, હવે 2022ની ચૂંટણી પૂર્વે વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાયા છે.

પરંતુ, હવે વિધાનસભાની ચૂંટણીઅો નજીક છે ત્યારે મોદી સરકારના અાઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે જિલ્લા ભાજપે માધ્યમોને મોદી સરકારના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દૃઢનિશ્ચયને પાંચ મુખ્ય સ્તંભો ગણાવી પાંચે સ્તંભોના મથાળા હેઠળ વિવિધ યોજનાની સફળતા ગણાવી હતી, જેમાં પ્રારંભે જિલ્લા મીડિયા ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઅે બેઠકનો હેતુ જણાવ્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલે પાંચે સ્તંભોના મથાળા હેઠળની યોજનાઅો વિશે માહિતગાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાનની કુદરતી બક્ષીસથી રાષ્ટ્રની શાખ અાંતરરાષ્ટ્રીય સ્તરે વધી છે.

સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાઅે સફળ યોજનાઅોની વિસ્તૃત માહિતી અાપી હતી. જોકે, અગાઉથી અપાયેલી ઉપસ્થિતોની નામાવલિ પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારા અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા. બેઠકમાં ભુજ શહેર મીડિયા સહઈનચાર્જ અનવર નોડેઅે વ્યવસ્થા સંભાળી હતી.

ગેસમાં સબસિડી ન મળ્યાની ટિખણ
તાજેતરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.અાર. પાટિલની સભામાં જનતાને કોઈ પ્રશ્નો હોય તો પૂછવા જણાવાયું હતું, જેમાં નિવૃત્ત સરકારી કર્મચારીઅે ગેસના સિલિન્ડરના 1000 રૂપિયા કેમ અેવો પ્રશ્ન પૂછી સાૈને નિરુત્તર કરી દીધા હતા. જેની અાડકતરી યાદ અપાવતા અેક પત્રકારે ટિખણ કરી હતી કે, મને ગેસ સિલિન્ડરમાં સબસિડી નથી મળી, જેથી રમુજ ફેલાઈ હતી.

લાભાર્થીઅો પાસેથી યોજના વિશે પૂછાશે
જિલ્લા ભાજપ પ્રમુખ કેસુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંત્યોદયની ભાવનાથી છેવાડાના માનવી સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો હેતુ હતો, જેમાં લાભાર્થીઅોને યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી પડી હોય કે, કોઈ સુજાવ હોય તો અે જાણવાનો પ્રયાસ થશે.

કચ્છમાં રેલવે અને અેર કનેક્ટિવિટી સર્વે ચાલે છે
સાંસદ વિનોદ ચાવડાને કચ્છ વિશે અાગામી યોજનાઅો વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, માંડવીથી નલિયા, નારાયણ સરોવર ઉપરાંત રાપરથી ધોળાવીરા રેલવેની શક્યતા ચકાસી સર્વે ચાલે છે. જિલ્લામાં રોડ રસ્તા ઉપરાંત જળ માર્ગે અને વધુમાં વધુ અેર કનેક્ટિવિટીની શક્યતાની યોજના બની રહી છે. કોસ્ટ રોડનું પણ નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...