જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્ઝર્વર સાથે મહત્વપૂર્ણ બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ઓબ્ઝર્વર અધિકારીઓને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કચ્છની 6 બેઠકની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીના નિયુક્ત કરાયેલા નોડલ ઓફિસર જેવા કે મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનિટરિંગ, સ્વીપ, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટોરી વોટર્સ અને પીડબલ્યુડી અધિકારીઓની કામગીરી બાબતનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.
મતદાર જાગૃતિ ઝુંબેશ અભિયાન વિશે પણ ઓબ્ઝર્વર અધિકારીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા. જિલ્લાના પોલીસ અધિક્ષકઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ ચૂંટણી માટે વિવિધ બંદોબસ્ત વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત કચ્છ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ વિશે પણ તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓને અવગત કરાવ્યા હતા. ઓબ્ઝર્વર અધિકારીઓએ કચ્છ જિલ્લામાં ચૂંટણી માટે થઈ રહેલી તૈયારી અને વ્યવસ્થા, સુરક્ષા અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, ક્રિટિકલ મતદાન મથકો, ચૂંટણીને લગતી સંબંધિત કામગીરીઓના દૈનિક રિપોર્ટની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આપી હતી. વધુમાં પોસ્ટલ બેલેટથી કેટલા મતદારો મતદાન કરશે તેની પણ માહિતી મેળવી હતી. દરેક વિધાનસભા સીટ પર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે જેઓ દ્વારા સંબંધિત વિધાનસભાનું સતત મોનિટરીંગ કરવામાં આવશે. તમામ નિયુક્ત ચૂંટણી ઓબ્ઝર્વરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્ર વતી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ઓબ્ઝર્વર અધિકારી સર્વેશ્રી બાલાજી દિગમ્બર મંજૂલે, મધુમિતા સિંહા રોય, ખત્રાવત રવિન્દ્ર નાયક, આનંદ કુમાર સિંઘ, કાન્તીલાલ દાન્ડે, નવિન મિત્તલ, ખર્ચ ઓબ્ઝર્વર પ્રદિપ સિંઘ ગૌતમ, અનિમા બાર્નવાલ, પોલીસ ઓબ્ઝર્વર અધિકારી વિકાસ કુમાર વિકાસ અને રાજેશ ખુરાના, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, અધિક નિવાસી કલેકટર મિતેશ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જી.કે.રાઠોડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી બી.કે.પટેલ સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.