ભુજ તાલુકાના સુખપર ગામે વડીલોની જમીન મુદ્દે પરિવારના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જમીન મુદ્દે બબાલમાં આઠ લોકો સામે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સુખપર ગામના ફરિયાદી પ્રેમજીભાઈ રામજીભાઈ વાઘજીયાણીએ જણાવ્યું હતું કે સુખપર ખાતે આવેલ સર્વે નંબર 51/૩૩ તથા 52 વાડી જમીન પર ખેતી કામ અર્થે પત્ની અને બહેનો સાથે ગયા હતા.ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હતા
એ દરમિયાન આરોપી ભત્રીજો ભરત મનજી વાઘજીયાણી,અરવિંદ શિવજી વાઘજીયાણી,હીરજી શિવજી વાઘજીયાણી અને શિવજી કરશન વાઘજીયાણીએ ખેતરમાં આવી ફરિયાદી સહીત તેની પત્ની રાધાબેન અને બહેન રામબાઈ તથા રતનબેન પાસે આવી ધોકા, કોદાળી અને કુહાડી જેવા હથિયારો વડે માર મારી ઈજાઓ પહોચાડી હતી.આ ખેતરમાં પગ મુકશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીઓ ચાલ્યા ગયા હતા.મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવને પગલે ફરિયાદીએ માનકુવા પોલીસ મથકે આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોધાવી છે.
તો બીજી તરફ ફરિયાદી ભરત મનજી વાઘજીયાણીએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે પત્ની સાથે સુખપર ખાતે આવેલ સર્વે નંબર 52 પર ખેતી કામે ગયો હતો.ત્યારે આરોપી પ્રેમજી રામજીભાઈ વાઘજીયાણી ખેતરમાં વાવેલ એરંડા અને રજકાના પાકમાં ટ્રેક્ટર વડે ખેડતા હતા.અમારું ખેતર કેમ ખેડો છો તેવું કહેતા ઉશ્કેરાઈ જઈ કાનજી રામજી વાઘજીયાણી,વાલજી કુવરજી હીરાણી અને અરવિંદ વાલજી હિરાણી સહિતના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ કુહાડી અને ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી.મારામારીમાં થયેલ ઈજાઓને કારણે સારવાર માટે ભુજની જી.કે.જનરલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.બનાવને પગલે માનકુવા પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે.જમીન મુદ્દે થયેલ મારામારીમાં સુખપરના બે પરિવારના આઠ લોકો સામે ગુનો નોધી માનકુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.